Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અંબાજી મંદિરના ચાચર ચોકમાં આરતી અને દર્શન થશે પણ ગરબા નહીં : અંબાજી મંદિરના ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય

નિજમંદિરમાં શુભ મૂહૂર્તમાં ઘટ સ્થાપન કરાશે અને સાથે જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે

અંબાજી મંદિરમાં નવરાત્રિને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.કોરોનાના કારણે આ વર્ષે અંબાજી મંદિરના ચાચર ચોકમાં ફક્ત દર્શનનું અને આરતીનું આયોજન કરાશે. નવરાત્રિના પહેલા દિવસે માઈ ભક્તો માટે નિજમંદિરમાં શુભ મૂહૂર્તમાં ઘટ સ્થાપન કરાશે અને સાથે જવેરા વાવવાનો કાર્યક્રમ પણ પરંપરાગત રીતે યોજાશે.

અંબાજી મંદિરના ક્લાર્ક સૂરજ પરમારના જણાવ્યા અનુસાર હાલના તબક્કે મંદિરમાં ગરબા યોજાશે નહીં. આગામી સમયમાં માઈ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને ગરબા અંગે ટ્રસ્ટ નિર્ણય લેશે. રાજ્ય સરકારે એક તરફ પાર્ટી પ્લોટમાં 400 લોકોને ગરબા રમવાની પરવાનગી આપી છે. પરંતુ અંબાજી શક્તિપીઠના ચાચરચોકમાં હજારોની મેદની જોવા મળતી હોય છે. અહીં કોરોનાનું સંક્રમણની શક્યતાને ધ્યાનમાં રાખીને મંદિરના ચોકમાં ગરબા ન કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી મોટી સંખ્યામાં ભક્તો નિરાશ થવાની શક્યતા જોવા મળી રહી છે. પહેલા કોરોનાના કારણે અને હવે બીજા વર્ષે ટ્રસ્ટના નિર્ણયના કારણે ખેલૈયાઓ નિરાશ થશે.

નવરાત્રિને લઈને રાજ્ય સરકારે કર્ફ્યૂના નિયમમાં પણ એક કલાકની રાહત આપી છે. આ સાથે મર્યાદિત સંખ્યામાં શેરી ગરબાને પણ મંજૂરી મળી છે. કેટલીક ક્લબોએ પોતાના કાર્યક્રમોને કેન્સલ કર્યા છે જેનાથી ખેલૈયાઓના સપના પર પાણી ફરી વળ્યું છે.

(8:42 pm IST)