Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

નવરાત્રિને લઈને ખેલૈયાના ઉસ્તાહ સાથે વરસાદની ચિંતા : હવામાન વિભાગે કહ્યું- વરસાદ આવવાના કોઈ સંકેત નથી

6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે; નવરાત્રિમાં વરસાદનો ખતરો પણ નહિ રહે

અમદાવાદ : રાજ્યમાં શાહીન વાવાઝોડાની ભારે અસર જોવાઈ હતી. રાજયના ઘણા જિલ્લાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જળાશયો પણ ફુલ થઈ ગયા છે. ત્યારે બીજી બાજુ હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યમાં નહિવત વરસાદ રહેશે. જોકે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે.

આગામી સમયમાં ગુજરાતમાં નવરાત્રિને લઈ ખૈલયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉત્સાહની સાથે વરસાદની પણ ચિંતા જોવા મળી હતી. ત્યારે ગુજરાતીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે કે, રાજયમાં આગામી પાંચ દિવસ વરસાદ નહી પડે. શાહિન વાવાઝોડું હાલ ગુજરાતથી 400 કિલોમીટર દૂર નિકળી ગયું છે જેથી ગુજરાતમાં તેનો ખતરો ટળ્યો છે. જો કે, છુટો છવાયો વરસાદ પડી શકે તેમ છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી 12 કલાક માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. હવે ચોમાસુ પૂર્ણ થવાની પરિસ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. 6 ઓક્ટોબરથી ચોમાસાની રાજ્યમાંથી વિદાય થવાની શરૂઆત થશે. સાથે જ નવરાત્રિમાં વરસાદનો ખતરો પણ નહિ રહે. નવરાત્રિ દરમિયાન વરસાદ આવવાના કોઈ સંકેત નથી દેખાતા. રાજ્યમાં વરસાદની ઘટ સંપૂર્ણ દૂર થઈ ગઈ છે. ગુજરાતમાં આ વર્ષે 2 ટકા વધારે વરસાદ નોંધાયો છે. તો કચ્છ-સૌરાષ્ટ્રમાં 24 ટકા વધુ વરસાદ નોંધાયો

(9:15 pm IST)