Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

રાજપીપળામાં ડો.બાબા સાહેબ આંબેડકર ભવનમાં “સ્વચ્છ ભારત-CLEAN INDIA” નો લોન્ચીંગ કાર્યક્રમ યોજાયો

નર્મદા જિલ્લાના પાંચેચ તાલુકાના નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકોને “સ્વચ્છ ભારત-CLEAN INDIA” ના સ્ટીકર તેમજ કચરા એકત્રીકરણની બેગ એનાયત કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેન્દ્ર સરકાર ધ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તા.૧ લી થી તા.૩૧ મી ઓક્ટોબર,૨૦૨૧ દરમિયાન હાથ ધરાયેલા “સ્વચ્છ ભારત-CLEAN INDIA” કાર્યક્રમને નહેરૂ યુવા કેન્દ્ર- નર્મદા જિલ્લા વહિવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે  યોજાયેલા લોન્ચીંગ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમે ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણા, જિલ્લા નહેરુ યુવા કેન્દ્રના પ્રોગ્રામ સુપરવાઈઝર અને કાર્યવાહક જિલ્લા યુવા ઓફિસર ચન્દ્રકાન્તભાઈ બક્ષી, જિલ્લાના અગ્રણી અજીતભાઈ પરીખ, વિક્રાંતભાઇ વસાવા,નહેરૂ યુવા કેન્દ્રના સ્વયંસેવક, યુવક મંડળ, મહિલા મંડળ, NGO તથા વિવિધ સંગઠનો વગેરેની ઉપસ્થિતિમાં  આજે રાજપીપલામાં ડૉ. બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે “સ્વચ્છ ભારત-CLEAN INDIA” ના કાર્યક્રમને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લો મુકાયો હતો.

 આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા એ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ દેશને આઝાદી અપાવવાની સાથોસાથ દેશને સ્વચ્છ બનાવવા પર ભાર મૂક્યો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના સ્વપ્નને સાર્થક કરવા માટે તા.૧ લી થી તા.૩૧ મી ઓકટોબર દરમિયાન “સ્વચ્છ ભારત” અભિયાન હાથ ધર્યુ છે. શહેર-જિલ્લા-ગ્રામ્યકક્ષાએ રહેતો દરેક નાગરિક સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને પ્લાસ્ટિકનું એકત્રિકરણ કરવાં ઉપરાંત સ્વચ્છ ભારત અભિયાન સાચા અર્થમાં અમલી બને તે રીતના પ્રયાસો સહુ કોઈએ કરવા જોઈએ.
જિલ્લા વિકાસ અધિકારી પી.ડી.પલસાણાએ જણાવ્યું હતું કે, સમગ્ર ભારત દેશની અંદર તા.૨  જી થી લઇને તા.૩૦ મી ઓક્ટોબર સુધી  સ્વચ્છ ભારત અભિયાન શહેરી અને ગ્રામિણકક્ષાએ હાથ ધરવામાં આવ્યું છે. તા. ૨ જી ઓક્ટબરને આપણે સહુ  ગાંધીજીના જન્મદિન તરીકે ઉજવીએ છીએ પરંતુ સરકારશ્રીએ ગાંધીજીના જન્મદિન ઉપરાંત દેશને સ્વચ્છ બનાવાનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં અધિકારીશ્રી-પદાધિકારી, વિવિધ સંગઠનોએ ઉક્ત અભિયાનમાં સહભાગી બનીને જિલ્લાના વિવિધ ગામોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું એકત્રિકરણ, પાણીના પરંપરાગત સ્થળોની સફાઇની સાથે  જાળવણી પણ થાય તે રીતના વિવિધ કાર્યક્રમોનું સુચારૂં આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના વિવિધ ગામો, તાલુકાઓમાંથી એકત્ર થયેલ કચરાનું જિલ્લાકક્ષાએ વજન કરી તેનું મુલ્યાંકન કરવામાં આવશે.
આ પ્રસંગે ભરૂચ દૂધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ, નેહરુ યુવા કેન્દ્રના મુખ્યાલય દિલ્હીના પ્રતિનિધિ અને જનજાતિ કલ્યાણ આશ્રમના પ્રાંત અધિકારી ડૉ. પ્રેમપ્યારીબેન તડવીએ પ્રસંગોચિત પ્રવચનો આપ્યા હતાં.
જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નર્મદા જિલ્લાના પાંચેચ તાલુકાના નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકોને “ સ્વચ્છ ભારત-CLEAN INDIA ” ના સ્ટીકર તેમજ કચરા એકત્રીકરણની બેગ એનાયત કરી હતી. આ પ્રસંગ નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા “ સ્વચ્છ ભારત-CLEAN INDIA ” ના  સામુહિક  શપથ લેવાયાં  હતા.
પ્રારંભમાં જિલ્લા નહેરુ યુવા કેન્દ્રના પ્રોગ્રામ સુપરવાઈઝર ચન્દ્રકાન્તભાઈ બક્ષીએ તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં આભારદર્શન કર્યુ હતું.

(10:21 pm IST)