Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

અમદાવાદ મ્યુનિ, કોર્પોરેશન સંચાલિત ચાર હોસ્પિટલો તથા સોલા હોસ્પિટલમાં જ કોરોનાના 3680 દર્દીઓના મૃત્યુ થયાનો ઘટસ્ફોટ

જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળની અરજીમાં વિગતો બહાર આવી :એસવીપી હોસ્પિટલમાં જાન્યુઆરી-20થી જ કોરોના દર્દી દાખલ થયા હોવાનું ખુલ્યુ

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત ચાર હોસ્પિટલો ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાં મળીને કોરોનાના 3680 દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સુચિત્રા પાલે જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ કરેલી અરજીમાં આ હકીકત ખુલ્લી પડી છે. એટલું જ નહીં અમદાવાદમાં તો જાન્યુઆરી-2020માં જ કોરોનાના કેસો નોંધાયા હોવાની માહિતી પણ પ્રકાશમાં આવી છે. મતલબ કે લોકડાઉન પહેલાં જ કોરોનાએ અમદાવાદ શહેરમાં પગપેસારો કરી દીધો હતો.

ગ્રાહક સુરક્ષા, ગ્રાહક સત્યાગ્રહ, ગ્રાહક ક્રાંતિના પ્રમુખ સૂચિત્રા પાલે જણાવ્યું છે કે, વર્ષ 2020થી જ કોરોના મહામારીની શરૂઆત થઇ હતી. વર્ષ જાન્યુઆરી- 2020 થી જુલાઇ- ઓગસ્ટ- 2021 સુધીના સમયગાળામાં કોરોનાની પહેલી અને બીજી લહેર આવી ગઇ હતી. આ સમયગાળા દરમિયાન અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હસ્તકની ચાર હોસ્પિટલો જેવી કે શારદાબેન હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ, સરદાર વલ્લભભાઇ પટેલ ( એસવીપી ) હોસ્પિટલ તેમજ વી.એસ. હોસ્પિટલમાં કોરોનાના કુલ 21,796 દર્દીઓ દાખલ થયા હતા. જેમાંથી 2,576 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. જયારે સોલા સિવિલ હોસ્પિટલમાં 18,383 દર્દીઓ દાખલ થયા હતા. તેમાંથી 1,104 દર્દીઓ દાખલ થયા હતા. મતલબ કે અમદાવાદની પાંચ હોસ્પિટલોમાં જ આ સમયગાળા દરમિયાન 3680 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

તેણીએ વધુમાં ઘટસ્ફોટ કરતાં કહ્યું હતું કે, કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા દેશભરમાં લોકડાઉન 22 માર્ચ 2020ના રોજ જાહેર કર્યું હતું. પરંતુ એસવીપીમાં જાન્યુઆરી-ફ્રેબુઆરી 2020ના બે મહિનામાં 21 દર્દીઓ દાખલ થયા હતા. જેમાંથી 5 દર્દી મુત્યુ પામ્યા હતા.

કોર્પોરેશન સંચાલિત પ્રત્યેક હોસ્પિટલની વિગતો જણાવતાં સુચિત્રા પાલે વધુમાં જણાવ્યું કે, આ દર્દીઓના ખાવા-પીવા પાછળ હોસ્પિટલોને લાખ્ખો રૂપિયા ખર્ચ થયો હતો. એલ.જી. હોસ્પિટલમાં કોરોનાના સમયગાળા દરમિયાન 2,012 દર્દીઓ દાખલ થયા હતા. આ દર્દીઓના ખાવા-પીવા પાછળનો ખર્ચ જોઇએ તો પ્રત્યેક દર્દી પાછળ 937 રૂપિયા દરરોજ ખર્ચ થતો હતો. આ દર્દીઓ પાછળ કુલ ખર્ચ 18,85,408 રૂપિયા થયો હતો. જયારે એસ.વી.પી. હોસ્પિટલમાં 18,026 દર્દીઓ દાખલ થયા હતા. પ્રત્યેક દર્દી પાછળ દરરોજનો રૂપિયા 351 ખર્ચ થયો હતો. અને કુલ ખર્ચ અંદાજે 5.05 કરોડ થયો હતો.

જાહેર માહિતી અધિકાર એક્ટ હેઠળ હોસ્પિટલોમાંથી મેળવેલી માહિતી જાહેર કરતાં સુચિત્રા પાલે વધુમાં કહ્યું છે કે, એલ.જી. હોસ્પિટલની માહિતી પ્રમાણે 2020થી મે- 2021 સુધીમાં કુલ દર્દી 2,012 દાખલ થયા હતા. પરંતુ શરૂઆતના સમયમાં કોવિડ 19ના દર્દી અન્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવતાં હતા. જેથી આ હોસ્પિટલમાંથી સાજા થઇને ગયેલા દર્દીઓની સંખ્યા સ્પષ્ટ નથી. પરંતુ પ્રત્યેક કોરોનાના દર્દી પાછળ રૂપિયા 937નો દરરોજ ખર્ચ થયો હતો. તે જ રીતે શારદાબેન હોસ્પિટલમાં પણ 1,143 દર્દીઓ દાખલ થયા હતા. પ્રત્યેક દર્દીના ખાવા-પીવા પાછળ રૂપિયા 62.09 ખર્ચ થયો છે. તો એસ.વી.પી. હોસ્પિટલમાં કુલ 18,026 દર્દીઓ દાખલ થયા હતા. તેમાં પણ પ્રત્યેક દર્દીના ખાવા-પીવા પાછળ રૂપિયા 351નો ખર્ચ થયો છે. નવાઇની વાત તો એ છે કે, એલ.જી.હોસ્પિટલ તથા શારદાબેન હોસ્પિટલમાં ખાવા-પીવાનું મેનું એકસરખું હોવા છતાં શારદાબેન હોસ્પિટલ કરતાં એલ.જી. હોસ્પિટલમાં પ્રત્યેક દર્દી પાછળનો ખાવા-પીવાનો ખર્ચ 874.71 રૂપિયા વધારે છે. બંને હોસ્પિટલ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોવા છતાં કોરોનાના દર્દીના ખાવા-પીવા પાછળના ખર્ચમાં વિસંગતતા આવે છે.

તેણીએ વધુમાં કહ્યું કે, સોલા સિવિલ હોસ્પિટલમાં કુલ કોરોનાના 18,383 દર્દી દાખલ થયા હતા. તેમાંથી 15,529 દર્દીઓ ડીસ્ચાર્જ થયા હતા. દાખલ થયેલા દર્દીઓમાંથી ડીસ્ચાર્જ થયેલા દર્દીના આંકડા બાદ કરવામાં આવે તો 2,854 દર્દીઓ મુત્યુ પામ્યા હોવાનું જણાય છે. પરંતુ હોસ્પિટલ તરફથી 1,104 દર્દીઓ જ મુત્યુ પામ્યાં હોવાનું જણાવ્યું છે, તો સાચું શું તે વાત શંકા જન્માવે તેવી છે. તે જ રીતે આ હોસ્પિટલમાં પ્રત્યેક દર્દીના ખાવા-પીવા પાછળ 961.40 રૂપિયા જણાવવામાં આવ્યું છે. અને આ અંગેનો કુલ ખર્ચ 99,43,375 દર્શાવવામાં આવ્યો છે. પરંતુ પ્રત્યેક દર્દીઓની સંખ્યા સાથે ખર્ચની રકમની ગણતરી કરવામાં આવે તો પ્રત્યેક દર્દી પાછળ 540.90નો ખર્ચ થાય છે. તો આ આંકડા અંગે પણ મૂંઝવણ થાય છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની માહિતી

  દાખલ સાજા મરણ
2020 માર્ચથી 2021 જાન્યુઆરી 14397 12902 558
2021 જાન્યુઆરીથી 2021 મે સુધી 3986 2627 546

શારદાબેન હોસ્પિટલમાં કોરોના દર્દીઓની યાદી

  દાખલ મરણ
2020 માર્ચથી 2021 જાન્યુઆરી 748 38
2021 ફેબ્રુઆરીથી 2021 મે સુધી 395 211

એસવીપી હોસ્પિટલમાં કોરોના દર્દીઓની માહિતી

  દાખલ સાજા  મરણ
2020 માર્ચથી 2021 જાન્યુઆરી 12902 12033 869
2021 જાન્યુઆરીથી 2021 મે 5103 4507 596
2020 જાન્યુઆરીથી-ફેબ્રુઆરી 21 16 5

એલ.જી.હોસ્પિટલમાં કોરોના દર્દીઓની માહિતી

  દાખલ સાજા મરણ
2020 માર્ચથી 2021 જાન્યુઆરી 1047 0 30
2021 જાન્યુઆરીથી 2021 મે 965 644 291
(11:26 pm IST)