Gujarati News

Gujarati News

News of Friday, 1st October 2021

શિક્ષણ બોર્ડના 9 સભ્યોની ચૂંટણી પુરી પણ વિવિધ સમિતિઓમાં સભ્યોની નિમણૂંક અંગે સ્પષ્ટતા નહીં થતા કમિટીની રચના અટકી

સભ્યોની સંખ્યામાં ઘટાડા બાદ હવે કેટલા સભ્યોને મુકવા તે અંગે સરકારમાંથી મંજુરી આવી ન હોવાથી બોર્ડ મેમ્બરોને સમિતિમાં સ્થાન માટે થોભો અને રાહ જુઓ જેવી સ્થિતિ

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 9 સભ્યોની ચૂંટણી પુરી થઈ ગઈ છે. પણ વિવિધ સમિતિઓમાં સભ્યોની નિમણૂંક અંગે સ્પષ્ટતા કરાઈ ના હોવાથી કમિટીની રચનાનું કામ અટવાયુ છે. અગાઉ બોર્ડની ચાર સમિતિઓ પૈકી કઈ સમિતિમાં કેટલા સભ્યોને મુકવા તે નક્કી હતું. પરંતુ સભ્યોની સંખ્યામાં ઘટાડા બાદ હવે કેટલા સભ્યોને મુકવા તે અંગે હજુ સુધી સરકારમાંથી મંજુરી આવી ન હોવાથી બોર્ડ મેમ્બરોને સમિતિમાં સ્થાન માટે થોભો અને રાહ જુઓ જેવી સ્થિતિ સર્જાઈ છે.

તાજેતરમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 9 સભ્યોની ચૂંટણી થઈ હતી. જેમાં 2 સભ્યો બિન હરીફ ચૂંટાયા હતા અને બાકીના 7 સભ્યોની ચૂંટણી થઈ હતી. તેનું પરિણામ આવી ગયું છે. હવે આ ચૂંટાયેલા સભ્યોને બોર્ડની ચાર સમિતિઓમાં સ્થાન માટે પણ ચૂંટણી થશે. જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, પરીક્ષા સમિતિ અને અભ્યાસ સમિતિનો સમાવેશ થાય છે. જોકે, સમિતિઓના વિભાજન અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાયો ન હોવાથી ચૂંટણીની કામગીરી અટવાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ બોર્ડના 26 સભ્યો ચૂંટાતા હતા, ત્યારે કારોબારી સમિતિમાં 6 સભ્યો, પરીક્ષા સમિતિમાં 5 સભ્યો, અભ્યાસ સમિતિમાં 5 સભ્યો અને નાણાં સમિતિમાં 3 સભ્યોને સ્થાન મળતું હતું. પરંતુ હવે 9 જ સભ્યો ચૂંટાય છે ત્યારે સમિતિઓના વિભાજન માટે બોર્ડ દ્વારા સરકાર પાસે મંજુરી માંગવામાં આવી છે. પરંતુ હજુ સુધી તે અંગેનું વિભાજન સરકારમાંથી આવ્યું ન હોવાથી કઈ સમિતિમાં કેટલા સભ્યોને લેવા તે મુદ્દે મુંઝવણ છે. આમ, સરકાર દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવે ત્યાર બાદ જ શિક્ષણ બોર્ડ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

 

રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ બોર્ડમાં 3 સભ્યોની નિમણુંક કરવામાં આવતી હોય છે. હાલમાં સરકાર નિયુક્ત ત્રણ સભ્યોમાં જે.પી. પટેલ, મનુભાઈ પાવરા અને ભાવિન ભટ્ટની નિમણુંક કરવામાં આવેલી હતી. જોકે, હવે આ ત્રણેય સભ્યોની મુદ્દત પુર્ણ થઈ હોવાથી સરકાર દ્વારા નવા 3 સભ્યોની નિમણુંક કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે. આ 3 સભ્યોને પણ બોર્ડની વિવિધ સમિતિમાં સ્થાન માટે ચૂંટણી લડવાનો હક હોવાથી આ સભ્યોની નિમણુંક બાદ જ વિવિધ સમિતિઓની ચૂંટણી થશે તેમ નિષ્ણાંતોનું માનવું છે.

હવે બોર્ડની વિવિધ સમિતિઓમાં સરકાર ઈચ્છશે તે જ સભ્ય ચૂંટાઈને જશે. બોર્ડના સભ્યની સંખ્યા જોઈએ તો ચૂંટાઈને આવેલા સભ્યોની સંખ્યા 9 જેટલી છે. જ્યારે હોદ્દાની રૂએ 18 જેટલા અધિકારીઓ બોર્ડના સભ્ય છે. જેથી સમિતિઓની ચૂંટણીમાં આ અધિકારીઓના વોટ જ કયા સભ્યને જીતાડવો તે નક્કી કરશે. જેથી સરકાર જે સભ્યને ઈચ્છશે તેને જ સમિતિમાં જીત મળશે તે નક્કી છે.

(12:28 am IST)