Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર:વાહન ચાલકો અને સ્થાનિકો લોકોએ ચક્કા જામ કરીને વિરોધ કાર્યક્રમ કર્યો

ભરૂચ-દહેજ બન્ને તરફની જવા આવવાની લેન ઉપર 2 થી 3 કિલોમીટર લાંબી વાહનો કતારો લાગી

ભરૂચથી દહેજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોય કંપનીની લકઝરી બસો, અન્ય વાહન ચાલકો અને આસપાસના ગ્રામજનોને પડી રહેલી હાલાકીને લઈ શુક્રવારે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ભરૂચથી દહેજ તરફ જવાના રસ્તા પર કેશરોલ ટોલ ટેક્ષ નાકા પાસે વાહન ચાલકો અને સ્થાનીક રહેવાસીઓએ બિસ્માર રસ્તાના પગલે ચક્કા જામ વિરોધ કાર્યક્ર્મ કર્યો હતો. મોટી સંખ્યામાં વાહન ચાલકો તેમજ સ્થાનીક રહીશો ચક્કાજામના સ્થળ પર ઉપસ્થીત થઈ ગયા હતા.

  દહેજ જીઆઇડીસીની વિવિઘ કપનીઓમાં પ્રથમ શિફ્ટનો સમય થતા નાઈટ શિફ્ટમાં ફરજ બજાવી પરત આવતા તેમજ પ્રથમ અને જનરલ શિફટમાં ફરજ પર જતા કર્મચારીઓને લઈ જતી મોટી સંખ્યામા લક્ઝરી બસના ચાલકો તેમજ વિવિઘ કંપનીઓના કર્મચારીઓ પણ ચક્કા જામ કાર્યક્ર્મમાં જોડાયા હતા.

 સાથે જ કેશરોલ તેમજ આજુબાજુના ગામોના રહીશો પણ આ ચક્કાજામમાં જોડાતા જોત જોતામાં વાહનોની કતારો ખડી થઈ ગઇ હતી. ભરૂચ-દહેજ બન્ને તરફની જવા આવવાની લેન ઉપર 2 થી 3 કિલોમીટર લાંબી વાહનો કતારો ખડકાઈ જતા ભરૂચ ગ્રામ્ય પોલિસ પણ આંદોલનના સ્થળ પર પહોંચી ગઇ હતી. દોઢ કલાક સુધી અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું પરંતુ ત્યાર બાદ ધીમે ધીમે ટ્રાફિક યથાવત થયો હતો. આ ચક્કા જામ આંદોલનના પગલે દહેજ જીઆઇડીસીમાં કંપનીઓના રેગ્યુલર શિડ્યુલ ખોરવાઈ ગયો હતો.

ભરૂચ-દહેજ માર્ગ ઉપરથી રોજિંદી કંપનીની બસો, અન્ય ભારે વાહનો સહિતની અવરજવર રહેતી હોય બિસ્માર માર્ગના પગલે લોકોનો વધુ સમય બરબાદ થવા સાથે વાહનોને પણ નુકશાન પોહચી રહ્યું છે. સાથે જ અકસ્માતોનું જોખમ પણ ખાડાઓને પગલે તોળાઈ રહ્યું છે. વહેલી તકે આ માર્ગને દુરસ્ત કરવામાં આવે તેવી માંગ વાહનચાલકો તેમજ આસપાસના ગામની પ્રજાએ કરી છે. ભારે વાહનો પાસેથી ટોલ ઉઘરાવવા છતાં રસ્તાની જાળવણી કરવામાં આવતી નહિ હોવાનો પણ રોષ ઠાલવવામાં આવ્યો હતો

(11:28 pm IST)