Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

નવરાત્રીના ઉપવાસ છતાં નરેન્‍દ્રભાઈમાં છે ગજબની સ્‍ફૂર્તિ

એક જ દિવસમાં કર્યા ૭ મોટા કાર્યક્રમો : સવારે ૪ વાગે યોગા અને મા દુર્ગાની પૂજા કરે છે, દિવસ દરમ્‍યાન લીંબુ પાણી અને ફ્રુટ જ લ્‍યે છે

અમદાવાદઃ નવરાત્રીના ઉપવાસ છતાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીમાં ગજબની સ્‍ફૂર્તિ છે. ગુજરાત પ્રવાસના બીજા દિવસે ગઈકાલે તેમણે ૭ મોટા કાર્યક્રમો કર્યા. વડાપ્રધાન શ્રી મોદીએ કેટલીક વિકાસ પરિયોજનાઓના ઉદ્‌ઘાટન અને શિલાન્‍યાસ કરવાની સાથે જનસભાઓને પણ સંબોધિત કરી હતી.

ગતસાંજે અંબાજી મંદિરમાં પૂજા- અર્ચના સાથે જ વડાપ્રધાનશ્રીના બે દિવસના ગુજરાત પ્રવાસનું સમાપન થયું હતું. ત્‍યાર પછી તેઓ રોડ માર્ગે રાજસ્‍થાનના સિરોહી જીલ્લામાં આવેલ આબુ રોડ પહોંચ્‍યા હતા. આબુ રોડમાં જનસભા સંબોધિત કર્યા પછી હવાઈ માર્ગે દિલ્‍હી ગયા હતા. આ રેલીનું આયોજન રાજસ્‍થાનના પાંચ આદિવાસી જીલ્લાને ધ્‍યાનમાં રાખીને કરાયું હતું. અહીં ગુજરાતમાં કામ કરનારી મોટી વસ્‍તી છે. આબુ રોડમાં રેલીએ શ્રી મોદીનો સાતમો કાર્યક્રમ હતો.

દિવસની શરૂઆત નરેન્‍દ્રભાઈએ વંદેભારત ટ્રેનને લીલીઝંડી આપીને કરી હતી. ત્‍યાર પછી તેમણે અમદાવાદ મેટ્રોને લીલીઝંડી બતાવી અને મેટ્રોમાં મુસાફરી કરી હતી. તેમણે અમદાવાદમાં રેલીને સંબોધિત કરી હતી. ત્‍યાંથી તેઓ અંબાજી પહોંચ્‍યા હતા. જયાં તેમણે જનસભા સંબોધ્‍યા પછી અંબાજી મંદિરમાં પૂજા કરી અને ગબ્‍બરમાં આરતી કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે વડાપ્રધાન શ્રી મોદી નવરાત્રીમાં ૯ દિવસ ઉપવાસ રાખે છે. આ દરમ્‍યાન તેઓ ફકત ફળ ખાય છે. દિવસની શરૂઆત લીંબુ પાણીથી કરે છે. સ્‍ફૂર્તિ જાળવી રાખવા માટે તેઓ દિવસમાં લીંબુ પાણી પીતા રહે છે. સાંજે લીંબુ પાણી ઉપરાંત થોડા ફળો ખાય છે. નવરાત્રીમાં કઠોર વ્રત કરવા છતાં તેઓ નવરાત્રીમાં પણ કામ કરે છે. ચૂંટણી પ્રચાર હોય કે સરકારનું કોઈ કામ તેઓ કામ કરતા રહે છે. તેઓ સવારે ૪ વાગે જાગી જાય છે. તેમની સવારની શરૂઆત યોગ અને મા દુર્ગાની પૂજાથી થાય છે.

(11:54 am IST)