Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

ગાંધીનગરમાં 1.92 લાખનો દંડ નહીં ભરતા ભૂસ્તર વિભાગ દ્વારા અડાલજ પોલીસે ચોરીની ફરિયાદ દાખલ કરી

ગાંધીનગર :  રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગર જિલ્લામાં નદીઓમાંથી રેતી ચોરી અને સરકારી જમીનમાંથી માટીની ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે. માફિયા દ્વારા બેરોક ટોકપણે સરકારની સંપત્તિને લૂંટવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગર નજીક આવેલા ઝુંડાલ પાસે ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને અહીં કોઈપણ પ્રકારની પાસ પરમિટ વગરના માટી ભરેલા ડમ્પરને ઝડપી લેવામાં આવ્યું હતું. અડાલજ પાસે આ માટીનો સંગ્રહ કરવામાં આવતો હતો. જેના પગલે  વિભાગ દ્વારા તપાસ કરવામાં આવતા ડમ્પરનો ચાલક મુકેશ ગંભીરજી ઠાકોર રહે સાબરમતી હોવાનું તેમજ તેના માલિક લાલાભાઇ વણઝારા રહે ગાંધીવાસ મોટેરા હોવાનું બહાર આવ્યું હતું. જેથી ભૂસ્તર વિભાગ દ્વારા તપાસ કરીને આ માટી ચોરી બદલ ૧.૯૦ લાખ રૃપિયાનો દંડ ભરી જવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી પરંતુ કચેરીમાં દંડ ભરવામાં આવ્યો ન હતો ત્યારબાદ વધુ દસ દિવસની નોટિસ ફટ કરવામાં આવી હતી જોકે દંડ નહીં ભરાતા આખરે ભૂસ્તર વિભાગના માઈન્સ સુપરવાઇઝર રિઝવાન હુસેન રફીકમિયા બુખારી દ્વારા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ચોરી અને ગુજરાત ખનીજ ધારા હેઠળ ડ્રાઇવર અને ડમ્પરના માલિક સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધવું રહેશે કે ભૂસ્તર તંત્ર દ્વારા શરૃ કરવામાં આવેલી આ ગુના દાખલ કરવાની કાર્યવાહીના પગલે માફિયાઓમાં ફાફડાટ ફેલાઈ ગયો છે.

(4:57 pm IST)