Gujarati News

Gujarati News

News of Saturday, 1st October 2022

વડોદરા:સરદાર એસ્ટેટ નજીક વાહન ચેકીંગ દરમ્યાન પીએસઆઇ સાથે ઝપાઝપી કરનાર ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: વાહન ચેકિંગ દરમિયાન લાયસન્સ, આર.સી.બૂક બતાવ્યા પછી વાહન ચાલકને રજિસ્ટરમાં નોંધણી કરવાનું પોલીસે કહેતા વાહન ચાલક અકળાયો હતો.અને તેણે  પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

બાપોદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.વાય.એચ.પઢિયાર તેમના સ્ટાફ સાથે ગઇકાલે સાંજે સરદાર એસ્ટેટ ચાર  રસ્તા પાસે વાહન ચેકિંગની કામગીરી કરતા હતા.તે દરમિયાન વૃંદાવન ચાર રસ્તા તરફથી એક  સ્કૂટર ચાલક આવતા પોલીસે તેને રોકીને સ્કૂટરના કાગળો માંગ્યા હતા.ત્યારબાદ  સ્કૂટર ચાલકને રજિસ્ટરમાં નામ અને  ડિટેલ લખવા માટે કહેતા તેણે કહ્યું કે,ક્યા ટાઇમ પાસ કરતા હે.રોજ કા નાટક લગા રખા હે.ત્યારબાદ તે ગાળો બોલવા લાગ્યો હતો.જેથી,પી.એસ.આઇ.એ તેને કહ્યું હતું કે,શા માટે ખરાબ ભાષાનો ઉપયોગ કરે છે.સ્કૂટર ચાલકે ઉશ્કેરાઇને તેની પાસેના હેલમેટ વડે પોલીસ સાથે ઝપાઝપી શરૃ કરી હતી.તે બૂમો પાડીને કહેતો હતો કે,તુ કોન હે,તેરી ઔકાત ક્યા હે,તુ મુજે પહચાનતા નહી કી મૈં કોન હું.તુજે જમીન મે ગાડ દૂંગા.દરમિયાન અન્ય સ્ટાફ પી.એસ.આઇ.ની મદદમાં આવી ગયો હતો.અને સ્કૂટર ચાલકને પકડીને ચોકીમાં લઇ ગયા હતા.ચોકીમાં પણ તેને અન્ય સ્ટાફ સાથે ગેરવર્તન કરી ગાળો આપી હતી.જેથી,સ્કૂટર ચાલક અનુજ ચાંદમલ મંડોવારા (રહે.સિદ્ધાર્થ વાટિકા, સિદ્ધાર્થ બંગ્લોઝ, સમા સાવલી રોડ) ની સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે,સાંજના સમયે વાહન ચાલકના દસ્તાવેજો  ચેક કર્યા પછી રજિસ્ટરમાં નોંધણી કરવામાં સમય વધારે થતો હોવાથી ઘણી વાર પોલીસ સાથે સંઘર્ષ થતો હોય છે.દસ્તાવેજો ચેક કર્યા પછી  રજિસ્ટરમાં વાહન ચાલકની નોંધણી કરવામાં સમયનો વ્યય થતો હોય છે.

(4:58 pm IST)