Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

અમેરિકાથી સુરત આવેલ વૃધ્ધનો કોરોના રિપોર્ટ પોઝીટીવ : તંત્રમાં દોડધામ

કોવિડ-19 પોઝીટીવ આવેલા વૃદ્ધના સેમ્પલ લઈ જિનોમ સિકવન્સ માટે મોકલી અપાયા

સુરત :ઓમિક્રોન વેરિયેન્ટને પગલે સમગ્ર દેશમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સોમવારે અમેરિકાથી સુરત આવેલા વૃદ્ધ દંપત્તિ પૈકી પતિનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી. જો કે, હાલ કોવિડ-19 પોઝીટીવ આવેલા વૃદ્ધના સેમ્પલ લઈ જિનોમ સિકવન્સ માટે મોકલી આપવામાં આવ્યા છે. તકેદારીના ભાગરૂપે વૃદ્ધ દંપત્તિને ક્વોરોન્ટાઈન રહેવા માટે પણ આદેશ કરવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, સોમવારે અમેરિકાથી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચેલા કુંભારિયાના વૃદ્ધ દંપતિ પૈકી પતિનો કોવિડ-19નો રિપોર્ટ પોઝીટીવ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું. છેલ્લા સાતેક વર્ષથી અમેરિકા ખાતે સ્થાયી થયેલા આ વૃદ્ધ દંપત્તિ હાલ કુંભારિયા ખાતે તેઓના નિવાસ સ્થાને ક્વોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. તો બીજી તરફ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા પોઝીટીવ આવેલા વૃદ્ધનો સેમ્પલ લઈને જિનોમ સિકવન્સ માટે મોકલી દેવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ એક સપ્તાહમાં આવશે. આ રિપોર્ટના આધારે જ પોઝીટીવ આવેલા વૃદ્ધ પતિમાં કોવિડ-19નો ઓમિક્રોન વેરિયેન્ટ છે કે નહીં તે સાબિત થશે.

અમેરિકામાં છેલ્લા નવેક વર્ષથી સ્થાયી થયેલા હાલ કુંભારિયા પરત ફરેલા વૃદ્ધ દંપત્તિ પૈકી 64 વર્ષીય પતિનો આરટી પીસીઆર રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેને પગલે તકેદારીના ભાગરૂપે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ વૃદ્ધના સે્મ્પલ જિનોમ સિકવન્સ માટે મોકલી દેવામાં આવ્યા છે.

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા ઓમિક્રોન વેરિયેન્ટની ઘાતકતાને ધ્યાને રાખીને સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાની દ્વારા પણ શહેરીજનોને વિશેષ તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી છે. દિવાળીના તહેવારો બાદ કોરાનાના ત્રીજા તબક્કાની મહામારીની હાલ કોઈ સંભાવના નથી ત્યારે ઓમિક્રોનના નવા જોખમને પગલે હવે તંત્ર દ્વારા નાગરિકોને સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્ક સહિત સેનેટાઈઝના ઉપયોગ પર ભાર મુકવા અપીલ કરવામાં આવી છે.

(9:19 pm IST)