Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

બેંકોના ખાનગીકરણના વિરોધમાં ૧૬ અને ૧૭ ડિસેમ્બરે હડતાળ..આર્થિક વ્યવહાર ખોરવાશે

ગુજરાત સહિત દેશના તમામ કર્મચારી-અધિકારી જોડાશે : હડતાળના કારણે વીસ હજાર કરોડના ટ્રાન્ઝેકશનને વિપરિત અસર થશે

અમદાવાદ,તા. ૧ : કેન્દ્ર સરકાર દ્વારા સરકારી બેંકોના ખાનગીકરણ દોર શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે પ્રથમ તબક્કામાં બે સરકારી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવનાર છે. જેના વિરોધમાં તમામ બેંકિંગ યુનિયનોએ ૧૬ થી ૧૭ ડિસેમ્બર બે દિવસથી હડતાલનું એલાન આપ્યુ છે. આ હડતાલમાં બેંકોના તમામ કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. બે દિવસીય હડતાલના કારણે ૨૦ હજાર કરોડના ટ્રાન્ઝેકશનને અસર થશે.

છેલ્લા થોડા સમયથી બેકિંગ યુનિયનો શાંત બેઠા બાદ હવે હડતાલ અને આંદોલન શરૂ કર્યા છે.  કેન્દ્ર સરકાર દ્વારા બે સરકારી બેંકોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય કર્યો છે. જેની સામે પહેલેથી જ વિરોધ ઉઠી રહ્યો છે. પરંતુ દેશભરના તમામ કર્મચારી અને અધિકારીઓના યુનિયનોએ ૧૬ અને ૧૭ ડિસેમ્બરે દેશવ્યાપી હડતાલનું એલાન આપ્યુ છે. જેમાં તમામ નેશનલાઇઝડ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓ જોડાશે. નેશનલાઇઝ બેંકના દેશમાં ૧૬.૫ કર્મચારીઓ અને ૩ લાખ અધિકારીઓ છે તે હડતાલમાં જોડાશે. જ્યારે ગુજરાતમાં નેશનલાઇઝડ બેંકોની ૪,૮૦૦ બ્રાંચ બે દિવસ બંધ રહેશે. અંદાજે ૭૦,૦૦૦ કર્મચારીઓ અને અધિકારીઓ આ હડતાલમાં જોડાશે.

સંસદમાં શિયાળુ સત્રમાં બેંકિંગ રેગ્યુલેશન એકટમાં સુધારો લાવવા માટે સરકાર પ્લાનિંગ કરી રહી હોવાનો આક્ષેપ મહાગુજરાત બેંક એમ્પ્લોઇસ એસોસીએશનને કર્યો છે.

(10:07 am IST)