Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ધાબડીયા વાતાવરણ વચ્‍ચે રાજયના અનેક વિસ્‍તારોમાં માવઠું

ફૂંકાતા ઠંડા પવનો સાથે 24 કલાકમાં 22 તાલુકાઓમાં વરસાદઃ હજુ બે દિવસ અસર રહેશે : અમદાવાદ, નવસારી, પંચમહાલ, દાહોદ, લીમડી સહિતના વિસ્‍તારોમાં વરસાદના વાવડઃ ખેડૂતોમાં ચિંતાની લાગણી

રાજકોટ,તા.1: રાજ્‍યના હવામાન વિભાગ દ્વારા આજે 1 ડિસેમ્‍બર અને આવતીકાલે એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અસર આજે વહેલી સવારે અમદાવાદ સહિત સુરત અને વડોદરામાં દેખાઈ હતી. અમદાવાદના પૂર્વ અને પヘમિ વિસ્‍તારમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદી ઝાપટાં પડયાં હતાં. પવન સાથે વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. વરસાદ પડતાં વહેલી સવારે મેદાનમાં LRD ભરતીની પ્રેકિટસ માટે દોડવા આવેલા ઉમેદવારો પણ ઠંડીમાં ઠૂંઠવાયા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્‍યના 22 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 29 મિ.મી નોંધાયો છે.
દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્‍ચે મોડી રાત્રે મોટે ભાગના વિસ્‍તારોમાં અમીછાંટણાં પડ્‍યાં હતાં. વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિંત થયા છે. ઉપરાંત મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્‍તારો તથા પંચમહાલમાં પણ દાહોદ અને લીમડી સહિતના વિસ્‍તારોમાં માવઠું થયું છે.
શિયાળાની સીઝનમાં હાડ થિજાવતી ઠંડીને બદલે ઉકળાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્‍યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્‍યો છે અને ગઈકાલે સાંજના સમયે અનેક જગ્‍યાઓ પર કમોસમી વરસાદની શરૂઆત થતાં ખેડૂતો ચિંતિત બન્‍યા છે.
હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેની અસર ગઈસાંજથી જ શરૂ થઈ ગઈ હતી અને અનેક જગ્‍યાએ ઝાપટાં વરસ્‍યાં હતા. ઉના અને ગીર-ગઢડા પંથકના અમુક વિસ્‍તારમાં વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્‍યા છે. આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાના બગીચાઓમાં વ્‍યાપક નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતોને પણ આર્થિક ફટકો પડશે. અમરેલીમાં કેટલાંક સ્‍થાનોએ કમોસમી વરસાદ પડ્‍યો છે. ગોંડલમાં મોડી રાત્રે ઠંડા પવન સાથે વરસાદી ઝાપટું થયું હતું. માવઠાના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે.
આ અંગે જૂનાગઢ કળષિ યુનિવર્સિટી ગ્રામીણ મોસમ વિભાગના ધિમંત વઘાસિયાએ જણાવ્‍યું હતું કે આજે બુધવારે દરિયાકાંઠાના છૂટાછવાયા વિસ્‍તારોમાં હળવાથી મધ્‍યમ વરસાદ રૂપે માવઠું થઇ શકે છે. દરમિયાન ગુરૂવારથી વાતાવરણ ચોખ્‍ખું થઇ જશે.
 જોકે ફરી માવઠાને લઇને ખેડૂતોમાં ચિંતા વ્‍યાપી ગઇ છે. જ્‍યારે માવઠાને લઇને યાર્ડમાં સોયાબીન, મગફળી અને ધાણાની આવક બંધ કરાઇ છે.

 

(11:27 am IST)