Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વાયબ્રન્ટ ગુજરાતની તૈયારી રૂપે ગાંધીનગરમાં મોટાપાયે વેપાર પ્રદર્શનનો પ્રારંભ

એન્જિનિયરિંગ, મશીન ટૂલ્સ તથા ઑટોમેશન અંગેના સૌથી મોટા એન્જિમેક પ્રદર્શનનો પ્રારંભ: પાંચ દિવસ ચાલનારા એન્જિમેકમાં 500 પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે, 80,000 મુલાકાતીઓ આવવાની ધારણા

ગાંધીનગર: જાન્યુઆરી 2022 માં યોજાઈ રહેલી 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) પહેલાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે, તે પૈકી રાજ્યના સૌથી મોટા એન્જિનિયરિંગ પ્રદર્શન – એન્જિમેક 2021 નામે પાંચ દિવસની ઇવેન્ટનો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે પ્રારંભ થયો હતો.

કે એન્ડ ડી કોમ્યુનિકેશન્સ દ્વારા આયોજિત એન્જિમેક 2021 એશિયાનું સૌથી મોટું વૈવિધ્યસભર એન્જિનિયરિંગ, મશીનરી, મટિરિયલ હેન્ડલિંગ તથા મશીન ટૂલ્સ પ્રદર્શન ગણાય છે. તેમાં 500થી વધુ પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે અને 80,000 કરતાં વધુ મુલાકાતીઓ આવવાની ધારણા છે.

 એન્જિમેક પ્રદર્શનમાં આધુનિક એન્જિનિયરિંગ ઉત્પાદનો તથા સેવાઓ, ભારે અને હળવા મશીનો, મશીનરીનાં સાધનો તથા એક્સેસરી, એન્જિનિયરિંગ ટૂલ્સ અને તેને સંલગ્ન ઉત્પાદનો તથા સેવાઓ રજૂ કરવામાં આવે છે. ખરા અર્થમાં વૈશ્વિક કહી શકાય એવું એન્જિમેક 2021 પ્રદર્શન ગાંધીનગરમાં 1થી 5 ડિસેમ્બર દરમિયાન હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાઈ રહ્યું છે. રાજ્ય સરકારે એન્જિમેક 2021ને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 પહેલાંની ઇવેન્ટ ગણાવી છે.

કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડના સીએમડી શ્રી કમલેશ ગોહિલે જણાવ્યું હતું કે, “કોવિડ-19 મહામારી દરમિયાન આર્થિક ગતિવિધિ મંદ પડવાથી MSME ક્ષેત્રને ભારે નાણાકીય નુકસાન થયું હતું. અર્થતંત્ર હવે સુધરી રહ્યું છે. એન્જિમેક 2021 MSME ને સમર્પિત છે અને અમને વિશ્વાસ છે કે આ પ્રદર્શન મધ્યસ્થીની ભૂમિકા ભજવશે અને અર્થતંત્રમાં સુધારાની ગતિ વધુ ઝડપી બનશે જેથી બિઝનેસ માટે નવી તકો ઊભી થશે.” તેમણે ઉમેર્યું કે, ગુજરાત MSME નું હબ છે અને અર્થતંત્રમાં થઈ રહેલા સુધારાનો મહત્તમ લાભ મળવાની ધારણા છે.

15મા એન્જિમેક પ્રદર્શનમાં આ ઉદ્યોગની ટેકનોલોજીકલ ક્ષમતા તથા સંશોધનો રજૂ થશે. શો દરમિયાન આ ક્ષેત્રમાં થયેલાં નવાં સંશોધનને પ્રોત્સાહન મળશે અને આ ઉદ્યોગમાં નોલેજ શેરિંગ થઈ શકશે.

શો દરમિયાન મુખ્યત્વે મશીન ટૂલ્સ અને મશીન ટૂલ એક્સેસરી, ઑટોમેશન અને રોબોટિક્સ, ટૂલિંગ સિસ્ટમ, હાઈડ્રોલિક્સ અને ન્યુમેટ્રિક્સ, પંપ અને વાલ્વ, ફાસ્ટનર અને હાર્ડવેર, ઑટોમોબાઇલ, આઈટી આધારિત સેવાઓ, ઈલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, ફેબ્રિકેશન અને વેલ્ડિંગ વગેરે ક્ષેત્રો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

પ્રદર્શનના ઉદઘાટન દરમિયાન ઉપસ્થિત રહેલા અન્ય મહાનુભાવોમાં ઊર્જા મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ પંચાલ, ઈન્ડિય ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફાઉન્ડ્રીમેનના ચેરમેન સુબોધ પંચાલ તથા મેનેજિંગ ડિરેક્ટર અમિશ પંચાલ, MTMA ના ચેરમેન યોગીન ચાનિઆરા, ગુજરાત લઘુ ઉદ્યોગ સંગઠનના પ્રમુખ અતુલ કાપસી, એસસી અને એસટી ફેડરેશનના પ્રમુખ અનિલભાઈ, ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ હેમંત શાહ તથા સેક્રેટરી સચિન પટેલ અને મેકપાવર સીએનસી ઑટોમેશન લિ. ના ચેરમેન રુપેશ મહેતાનો સમાવેશ થતો હતો.

(4:55 pm IST)