Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

વડોદરાના આજવારોડ વિસ્તારમાં પાંચ દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા પાણીની રેલમછેલ

વડોદરા:શહેરના આજવા રોડ ઉપર આવેલા નેહરુચાચા નગર પાસે છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં પાણીની રેલમછેલ થવાની સાથે હજારો લીટર શુધ્ધ પાણીનો વેડફાટ થતા જાગૃત નાગરિકે તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો. વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થવાની ઘટના સામે આવી રહી છે. એક તરફ પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પીવાનું પાણી ઓછું મળવું તથા દૂષિત મળવાની બૂમો વર્ષોથી ઉઠી રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે નાગરિકો હાલાકીભર્યા દિવસો પસાર કરી રહ્યા છે. તેવામાં પડતા પર પાટુ સમાન છેલ્લા એક વર્ષથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણનો સિલસિલો ચિંતાજનક બન્યો છે. 

પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા સમારકામ ના થાય ત્યાં સુધી લોકોને પીવાનું પાણી મળતું નથી. પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર શુદ્ધ પાણીનો વેડફાટ થાય છે. પરિણામે નગરજનોને હાલાકી ભોગવવી સાથે પાલિકાને પણ આર્થિક નુકસાન ભોગવવું પડે છે. 

આ પરિસ્થિતિ વચ્ચે શહેરના આજવા રોડ ઉપર કમલાનગર તળાવની પાછળના ભાગે આવેલા ચાચા નહેરુ નગર પાસે છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં પાણીની રેલમછેલ સાથે કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. સાથોસાથ હજારો લિટર શુદ્ધ પાણી ગટરમાં વહી જતાં શિવસેના અગ્રણી તેજસ બ્રહ્મભટ્ટે નિંદ્રાધીન પાલિકા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

(5:47 pm IST)