Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ગુજરાતને અંદાજે રૂપિયા 559 કરોડ લેવાના નીકળે છે છતાં પણ પાણી બંધ કર્યું નથી: જીતુભાઇ વાઘાણી

કોંગ્રેસનો બે રાજ્યો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો કારસો છે. એેને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં

અમદાવાદ : ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે રાજસ્થાનના મંત્રી દ્વારા માહી બજાજ સાગર ડેમમાંથી ગુજરાતને પાણી નહીં આપવાનું  નિવેદન કરીને રાજકીય દ્વેષ છતો કર્યો છે એ નિંદનીય છે. તેમણે ઉમેર્યું કે પાણી સંદર્ભે વર્ષ 1966માં જે કરાર થયો છે તેનો પણ તેમણે ભંગ કર્યો છે તે કોંગ્રેસને શોભતું નથી.

પ્રવકતા મંત્રીએ વધુમાં કહ્યું કે રાજસ્થાન સરકારના મંત્રી દ્વારા માહી બજાજ સાગર ડેમમાંથી ગુજરાતને પાણી નહીં આપવાની જે વાત કરી છે તે તેમની ગુજરાત વિરોધી માનસિકતા છતી કરે છે. પાણી માટે રાજનીતિ કરવી યોગ્ય નથી. પાણી વિતરણ અંગે જે કરાર થયા હોય તે રીતે તમામ રાજ્યોએ એનું પાલન કરવું જોઈએ. આવું ન કરીને કોંગ્રેસનો બે રાજ્યો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો કારસો છે. એેને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં.

ગુજરાત આજે પણ નર્મદાનું પાણી રાજસ્થાનને કરાર મુજબ 0.5 M.F. પાણી આપે જ છે તે સંદર્ભે ગુજરાતને અંદાજે રૂપિયા 559 કરોડ લેવાના નીકળે છે છતાં પણ પાણી બંધ કર્યું નથી. ગુજરાત ક્યારેય રાજસ્થાન ઉપર નિર્ભર રહ્યું નથી અને રહેશે પણ નહીં. ગુજરાતના કોંગ્રેસી નેતાઓએ પણ તેમની રાજસ્થાન સરકારને કહેવું જોઈએ કે, રાજ્યના નાગરિકોના હિતમાં કરાર મુજબ જે વ્યવસ્થા ગોઠવાય છે તેનું તેમણે ચુસ્ત પાલન કરવું જોઈએ. પાણી સંદર્ભે રાજનીતિ કરવી એ અમારા લોહીમાં નથી. નાગરિકોના હિતમાં અમે ક્યારેય રાજનીતિ કરતા નથી અને કરીશું પણ નહીં તેમણે ઉમેર્યું હતું.

(8:15 pm IST)