Gujarati News

Gujarati News

News of Wednesday, 1st December 2021

ગોલ્ડન બોય નિરજ ચોપરા ગુજરાતની મુલાકાતે આવશે

નિરજ ચોપરા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે : આગામી ૪ ડિસેમ્બરે નિરજ ચોપરા અમદાવાદ ખાતે આવેલી સંસ્કારધામ સ્કૂલમાં તે મિશન શરૂઆત કરશે

અમદાવાદ,તા.૧ : ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનાર ગોલ્ડન બોય નિરજ ચોપરા ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તે વિદ્યાર્થી સાથે સંતુલિત આહાર, ફિટનેસ, સ્પોર્ટ્સ જેવા વિવિધ મુદ્દાઓ પર વાતચીત કરશે. આગામી ૪ ડિસેમ્બરે નિરજ ચોપરા અમદાવાદ ખાતે આવેલી સંસ્કારધામ સ્કૂલમાં તે મિશન શરૂઆત કરશે.  કેન્દ્રીય રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચનાર નીરજ ચોપરાને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

            રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નીરજ ચોપડા સહિત ૧૨ ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપ્યો હતો. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ખેલ પુરસ્કાર સમારોહમાં કુલ ૩૫ ખેલાડીઓનું અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતની મહિલા પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ટોક્યોમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ પણ સમાવેશ થાય છે. ટોક્યો ઓલિમ્પિક ૨૦૨૦માં ભારતને ભાલાફેંકમાં પહેલીવાર ગોલ્ડ મેડલ અપાવીને ઈતિહાસ રચનારા નીરજ ચોપરા ખુબ ચર્ચામાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની હરાજીમાં આ ભાલાએ ધૂમ મચાવી. નીરજ ચોપડાના ઓટોગ્રાફવાળા આ ભાલા માટે સરકાર તરફથી બેસ પ્રાઈઝ જ એક કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. લોકોએ નીરજ ચોપડાના ટોક્યો ઓલિમ્પિકની ફાઈનલમાં ઉપયોગમાં લેવાયેલા ભાલા માટે ૧.૫ કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી.

(9:04 pm IST)