Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

કડાણા (મહીસાગર) ખાતે ઝંઝાવાતી ચુંટણી પ્રચારમાં વિશાળ જનસભાને સંબોધતા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ

૧પ નવેમ્બર, ૨૦૨૧ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ બિરસા મુંડા જયંતિ ને “આદિવાસી ગૌરવ દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરી, સમગ્ર દેશના આદિવાસીઓને ગૌરવ અપાવવાનું કામ કર્યુ હોવાનું જણાવતાં અમિતભાઇ શાહ :કોંગ્રેસે આપણાં આસ્થા કેન્દ્રોને હંમેશા અપમાનિત કરવાનું કામ કર્યુ, જયારે ભાજપા એ તેના પુર્નરોદ્ધાર કરવાનું કામ કર્યુ હોવાનું જણાવતાં અમિતભાઇ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે અગામી વિધાનસભા ચૂંટણી અંગે ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે ત્યારે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે આજે કડાણા ( મહીસાગર) ખાતે બીજા તબક્કાના ચૂંટણી પ્રચારમાં વિશાળ જનસભાને સંબોધી હતી.
  અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાત ભરમાં શાહની જનસભાઓ અને રોડ શો માં ઉમટી રહેલી વિશાળ જનમેદની ભાજપા તરફેણમાં પ્રચંડ જનાદેશનો સ્પષ્ટ સંકેત આપી રહી છે.
 અમિતભાઇ શાહે કડાણા ખાતે ગુરુ ગોવિંદની પરંપરાને જાળવી રાખનારા, દેશનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા સૌ ભીલ તેમજ આદિવાસી વીરોને વંદન સાથે જણાવ્યું હતું કે ૫ ડિસેમ્બરે તમારો મત માત્ર વિધાયક કે મુખ્યમંત્રી જ નહિ પરંતુ આદિવાસીઓ સહિત દેશના વિકાસની દિશા સુનિશ્ચિત કરશે.
 શાહે કહ્યું કે કોંગ્રેસે આદિવાસી સમાજે દેશ માટે આપેલા બલિદાનની ગૌરવ ગાથાની હંમેશા ઉપેક્ષા કરી જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી 15 નવેમ્બરને આદિવાસી ગૌરવ દિન તરીકે ઉજવવાનું નક્કી કરી આદિવાસીઓના સન્માનને વધાર્યું. તેઓએ કહ્યું કે દેશના સ્વતંત્રતા સંગ્રામમાં ભગવાન બિરસા મુંડાથી લઈને ગાંધીજીના સત્યાગ્રહ સુધીમાં અનેક આદિવાસી અને ભીલ સમાજના બહેનો ભાઈઓએ અકલ્પનીય બલિદાનો આપ્યા. આ બલિદાનનોને ઉજાગર કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશભરમાં ૨૦૦ કરોડના ખર્ચે 10 જેટલા સ્મૃતિ કેન્દ્રો બનાવ્યા.
 શાહે વધુમાં જણાવ્યું કે કોંગ્રેસે તેના 65 વર્ષથી વધુના શાસનમાં ક્યારેય કોઈ આદિવાસી ભાઈ - બહેનને રાષ્ટ્રપતિ ન બનાવ્યા. જ્યારે નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ઓરિસ્સાના ગરીબ ઘરમાંથી આવતા આદિવાસી દિકરી દ્રોપદી મૂર્મુજીને દેશના સર્વોચ્ચ પદે રાષ્ટ્રપતિ બનાવીને આદિવાસીઓને અભૂતપૂર્વ સન્માન આપ્યું. તેઓએ કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જ 2003-04 માં આદિવાસીઓને તેની વસ્તીના પ્રમાણમાં બજેટ ફાળવવાની શરૂઆત કરી અને 10 સુત્રી "વનબંધુ કલ્યાણ" યોજના હેઠળ આદિવાસી સહિત તેમના ગામો અને ક્ષેત્રનો ચોમુખી વિકાસ થાય તે સુનિશ્ચિત કર્યું.
   શાહે વધુમાં કહ્યું કે આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે ક્ષેત્રમાં નવ જેટલી આઈટીઆઈ, નર્મદા જિલ્લામાં ચાર વન કૌશલ્ય કેન્દ્ર, રાજપીપળામાં મેડિકલ કોલેજ, આદિવાસી બાળકોનું પ્રાથમિક શાળામાં શત પ્રતિશત એનરોલમેન્ટ, આદિવાસી વિદ્યાર્થીઓની સ્કોલરશીપમાં વધારો કરી 33 લાખ બાળકોને સ્કોલરશીપ સહિત આદિવાસી દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે માટે ગોધરામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા યુનિવર્સિટી સ્થાપી આ બને વીરોને અમર બનાવવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકારે કર્યું છે.
 શાહે ઉમેર્યું હતું કે કોરોના સમયમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રયત્નોથી દેશના વૈજ્ઞાનિકોએ ખૂબ ટુંકા ગાળામાં રસી વિકસાવી અને ૨૩૦ કરોડ ડોઝ આપી નાગરિકોના જીવન સુરક્ષિત કર્યા. આવા કપરા સમયમાં પણ કોંગ્રેસે રાજકારણ રમી આ " મોદી રસી" છે ન લેવાય તેવી ભ્રમણાઓ ફેલાવી લોકોના જીવન સાથે ચેડા કરવાનું ગંભીર પાપ કર્યું. આદરણીયશ્રી મોદીજીએ લોકડાઉનમાં પણ દેશના પ્રત્યેક ગરીબના ઘરમાં ચૂલો સળગતો રહે તેની ચિંતા કરીને સવા બે વર્ષ સુધી પ્રતિ વ્યક્તિ, પ્રતિ માસ ૫ કિલો અનાજ નિશુલ્ક આપ્યું.
 શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભાજપા સરકારે ગુજરાતના દરેક ગામમાં 24 કલાક વીજળી, પીવાનું પાણી, શિક્ષણ અને પ્રત્યેક ગામમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર પહોંચાડ્યા અને સાથે સાથે આદિવાસી ક્ષેત્ર સહિત સમગ્ર રાજ્યમાં ગામડાઓને રોડથી જોડ્યા. સંતરામ પુર માં સામુદાયિક આરોગ્ય કેન્દ્ર, સાયન્સ કોલેજ, તાલુકા કક્ષાએ ડાયાલિસિસ કેન્દ્રો, ઉજ્વલા યોજના હેઠળ 75 હજાર બહેનોને ગેસ કનેક્શન, ૫૫૦૦ લોકોએ પોતાનું ઘર, ૪.૨૨ લાખ ખેડૂતોને પ્રધાનમંત્રી કિશાન સન્માન નિધિ અન્વયે ૫૦૯ કરોડ રૂ. ની સહાય, બાલાસિનોરમાં ડાયનોસોર પાર્ક,૧.૫૩ લાખ ગરીબોને શૌચાલય, બાલાસિનોરના સરોદ, કાનપુર, ડકાનીયા સહિતના ગામોમાં પાણીની વ્યવસ્થા ભાજપા સરકારે કરી છે
 શાહે કહ્યું હતું કે કોંગ્રેસે આસ્થાના કેન્દ્રોને કાયમ અપમાનિત કર્યા. કરોડો લોકોની આસ્થા જેની સાથે જોડાયેલ છે તેવા ભગવાન રામના ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ સહિત કાશી વિશ્વનાથ, કેદારનાથ, બદ્રીનાથ, અંબાજી મંદિર, સોમનાથ મંદિર અને પાવાગઢમાં મજાર હટાવી માં મહાકાળીનું મંદિર બનાવી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આસ્થાના કેન્દ્રોને ઊર્જાવાન બનાવ્યા છે.
  શાહે અંતમાં ભાજપા ઉમેદવારોની તરફેણમાં કમળનું બટન દબાવી, અગાઉની તમામ ચૂંટણીઓનાં રેકોર્ડ તૂટી જાય તે પ્રકારે મતદાન કરવા ઉપસ્થિત સૌને હાકલ કરી હતી.
  આ જાહેર સભાઓમાં પ્રદેશ ભાજપના હોદ્દેદારો, સાંસદઓ, પ્રવાસી આગેવાનઓ, સિનિયર અગ્રણીઓ, સંગઠનના હોદ્દેદારો, પૂર્વ ધારાસભ્યઓ, સ્થાનિક ભાજપા સંગઠન પદાધિકારીઓ,ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકર્તાઓ, શુભેચ્છકો, સમર્થકો અને નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(8:48 pm IST)