Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

રાજ્‍યમાં પાંચ વર્ષના બદલે ૬ વર્ષે ધો.૧માં પ્રવેશ અપાશે

શિક્ષણ વિભાગે ૨૦૨૦માં અંગે પરિપત્ર કરી દીધો હતો : જે બાળકને ૧ જૂન, ૨૦૨૩ના રોજ ૬ વર્ષ પૂર્ણ થયા હશે તેને પ્રવેશ અપાશેઃ તમામ સ્‍કૂલોને પત્ર મોકલી પ્રવેશ વખતે નિયમનો અમલ થાય તે માટે તાકીદ કરવામાં આવી

અમદાવાદ,તા.૧: રાજયની પ્રાથમિક સ્‍કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષથી ૬ વર્ષ પુર્ણ કરનારા બાળકોને જ ધોરણ-૧માં પ્રવેશ ફાળવવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૦માં આ અંગે પરિપત્ર કરી દેવાયો હતો. જેના કારણે છેલ્લા વર્ષોમાં પ્રવેશને લઈને કોઈ સમસ્‍યા ઉભી થાય નહિ. જેથી હવે જૂન-૨૦૨૩થી શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષમાં જે બાળકને ૧ જૂન, ૨૦૨૩ના રોજ ૬ વર્ષ પૂર્ણ થયા નહીં હોય તેઓને ધોરણ-૧માં પ્રવેશ ફાળવવામાં આવશે નહીં. આ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તાબા હેઠળની તમામ સ્‍કૂલોને પત્ર મોકલી પ્રવેશ વખતે નિયમનો અમલ થાય તે માટે તાકીદ કરવામાં આવી છે. આમ, હવે રાજયમાં ૫ વર્ષના બદલે ૬ વર્ષે ધોરણ-૧માં પ્રવેશ ફાળવવામાં આવશે. આ માટે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા નિયમોમાં પણ ફેરફર કરી દીધો હોવાનું જાણવા મળે છે.

આ અંગે મળતી માહિતી મુજબ, રાજયમાં ધોરણ-૧માં પ્રવેશ માટેની વય મર્યાદા શિક્ષણ વિભાગ દ્વારા ૫ વર્ષ નક્કી કરવામાં આવેલી હતી. શૈક્ષણિક વર્ષમાં ૧ જૂનના રોજ ૫ વર્ષ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને જ ધોરણ-૧માં પ્રવેશ આપવાની જોગવાઈ હતી. જોકે, ત્‍યારબાદ કેન્‍દ્ર સરકાર દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો અમલમાં લાવવામાં આવ્‍યો હતો. જેમાં ૬થી ૧૪ વર્ષના બાળકોનો રાઈટ ટુ એજયુકેશન એક્‍ટ હેઠળ સમાવેશ કરવામાં આવ્‍યો હતો. જોકે, આ કાયદા પછી પણ ગુજરાતમાં ૫ વર્ષે જ ધોરણ-૧માં પ્રવેશ માટેનો અમલ ચાલુ રાખ્‍યો હતો. જયારે અન્‍ય બોર્ડની સ્‍કૂલોમાં ૬ વર્ષે ધોરણ-૧માં પ્રવેશ ફાળવવામાં આવતો હતો.

(10:25 am IST)