Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

૨૯૦ કરોડની રોકડ, ડ્રગ્‍સ અને દારૂ ઝડપાયો

ગુજરાત વિધાનસભા ચુંટણી ૨૦૨૨ : ૨૦૧૭ કરતા ૧૦ ગણો મુદ્દામાલ જપ્‍ત

નવી દિલ્‍હી, તા.૧: રોકડ, ડ્રગ્‍સ, દારૂ અત્‍યાર સુધીમાં ગુજરાતની ચુંટણી દરમ્‍યાન ૨૯૦ કરોડનો ઝડપાયો છે જે ૨૦૧૭ની ચુંટણીમાં રાજયમાં પકડાયેલ મુદ્દામાલ કરતા ૧૦ ગણો વધારે છે. ગુજરાતમાં મતદાન બે તબક્કામાં ૧ અને પ ડીસેમ્‍બરે થવાનું છે.

ચુંટણી પંચ અનુસાર, રાજયમાં ચુંટણી પ્રક્રિયા દરમ્‍યાન તેના વિવિધ એજન્‍સીઓ સાથેના સંકલન અને ચાંપતી નજરના કારણે આટલો રેકોર્ડબ્રેક મુદ્દામાલ ઝડપી શકાયો છે.

ગુજરાત એટીએસની ટીમે વડોદરા ગ્રામ્‍ય અને વડોદરા શહેરમાં એક ઓપરેશન દરમ્‍યાન ડ્રગ્‍સના મોટા કન્‍સાઇનમેન્‍ટને ઝડપવાની કાર્યવાહી ચાલી રહી છે. ટીમે બે મેફેડ્રોન ડ્રગ્‍સ બનાવતા યુનિટોની ઓળખ કરીને ૧૪૩ કીલો મેફેડ્રોન ઝડપ્‍યું છે જેની કિંમત લગભગ ૪૭૮ કરોડ રૂપિયા જેટલી થાય છે. આ કેસમાં તેમણે નડીયાદ અને વડોદરામાંથી ૫ વ્‍યકિતઓને ઝડપી લીધા છે અમદાવાદ એટીએસ પોલીસ સ્‍ટેશનમાં ગુનો પણ નોંધ્‍યો છે.

ચુંટણી પેનલે કહ્યું, ‘ઓપરેશન હજુ ચાલુ જ છે અને તે પુર્ણ થયા પછી સંપૂર્ણ વિગતો જણાવવામાં આવશે.

૨૦૧૭ની વિધાનસભા ચુંટણી દરમ્‍યાન ગુજરાતમાં કુલ ૨૭.૨૧ કરોડનો મુદ્દામાલ ઝડપાયો હતો જયારે આ ચુંટણીમાં ૨૯ નવેમ્‍બર સુધીમાં ૨૯૦.૨૪ કરોડનો માલ ઝડપાયો છે, જે ૨૦૧૭માં ઝડપાયેલ મુદ્દામાલ કરતા ૧૦ ગણો વધારે છે. ચુંટણી પંચે કહ્યું કે ડ્રાય ગુજરાતમાં ૧૪.૮૮ કરોડ રૂપિયાનો ચાર લાખ લીટરથી વધારે દારૂ ઝડપાયો છે.

(10:31 am IST)