Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પીએમ મોદીનો આજે દેશનો સૌથી લાંબો રોડ શો

આજે અમદાવાદમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ૫૦ કિ.મી. લાંબો રોડ શો કરશે : બપોરે નરોડા ગામથી શરૂ થનારો રોડ શો સાંજે ચાંદખેડામાં પૂર્ણ થશે

નવી દિલ્‍હી તા. ૧ : વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી આજે અમદાવાદમાં ૫૦ કિલોમીટર લાંબો રોડ-શો કરવાના છે. તેઓ ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે આ રોડ શો કરવાના છે. બીજી તરફ આજે ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન પણ યોજાઈ રહ્યું છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્‍છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. માનવામાં આવે છે કે આજે વડાપ્રધાન દ્વારા જે રોડ-શો કરવામાં આવશે તે દેશનો સૌથી લાંબો રોડ શો હશે. જેની શરૂઆત વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી નરોડા ગામથી કરવાના છે અને તે રાત્રે ૯.૪૫ વાગ્‍યે ચાંદખેડામાં પૂર્ણ થશે. આ રેલીમાં ઘણી બેઠકોને સાંકળી લેવામાં આવશે. આ રોડ શોને ભાજપ દ્વારા પુષ્‍પાંજલિ રૂટ નામ આપવામાં આવ્‍યું છે.

બીજા તબક્કાની ચૂંટણીના પડધમ શાંત થાય તે પહેલાના બે દિવસ વડાપ્રધાન મોદી ગુજરાતમાં ઘણાં વ્‍યસ્‍ત રહેવાના છે. તેઓ આજે વિશાળ રોડ-શો કરવાના છે અને તે પછી શુક્રવાર અને શનિવારે કુલ ૭ સભાઓ પણ કરવાના છે. આ પછી ૫ ડિસેમ્‍બરે તેઓ રાણીપ વિસ્‍તારમાં મતદાન કરવા માટે પહોંચશે.

બુધવારે શહેરના વિવિધ વિસ્‍તારોમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્‍યક્ષ જેપી નડ્ડા અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ સહિત ભાજપના પ્રમુખ નેતાઓએ રોડ શો કર્યા હતા. એક ટ્રક પર સવાર થઈને ગૃહમંત્રી અમિત શાહે મોહન સિનેમા વિસ્‍તારથી અમદાવાદના કલાપીનગરમાં રોડ શો કર્યો હતો. આ વિસ્‍તાર અસારવા બેઠકમાં આવે છે. જેપી નડ્ડાએ નડિયાદમાં હતા અને મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે અમરાઈવાડી વિસ્‍તારમાં પ્રચાર કર્યો હતો.

રાજયની સૌરાષ્ટ્ર-કચ્‍છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે,જેમાં કુલ ૭૮૮ ઉમેદવારો મેદાનમાં છે અને તેમના ભાવી આજે સાંજ સુધીમાં EVMમાં કેદ થઈ જશે. પહેલા તબક્કામાં ૧૯ જિલ્લાના ૨.૩૯ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ૧૩,૦૬૫ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્‍ટિંગનું પણ આયોજન છે.

આ પછી સોમવારે બીજા તબક્કાનું મતદાન યોજાશે જેમાં ૯૩ બેઠકો પર મતદાન યોજાશે. જે બાદ ૮મી ડિસેમ્‍બરે મતગણતરી યોજાશે.

(11:47 am IST)