Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

અંકલેશ્વરના આપના નેતા અંકુર પટેલનો બે લાખનો ચેક રિટર્ન થતા કોર્ટ દ્વારા 6 માસની કેદની સજા

ઉછીના લીધેલા નાણાને ચેકથી આપતા ચેક રિટર્ન થતા સલીમભાઇએ ફરિયાદ કરી હતી

અમદાવાદઃ અંકલેશ્વર બેઠક પર આપના ઉમેદવાર અંકુર પટેલની મુશ્‍કેલીમાં વધારો થયો છે. ઉછીના લીધેલા નાણાને પરત આપતા ચેક રિટર્ન થતા ફરિયાદી સલીમભાઇએ ફરિયાદ કરતા અંકુરભાઇ પટેલને 6 માસની કેદની સજા થઇ છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલાં આપ આદમી પાર્ટીને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. મતદાન પહેલાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની મુશ્કેલી વધી ગઈ છે. આપના ઉમેદવારને 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે.  અંકલેશ્વરથી આપના ઉમેદવાર અંકુર પટેલને ચેક રિટર્ન કેસમાં કોર્ટે સજા ફટકારી છે.

અંકલેશ્વર વિધાનસભા બેઠક પર આપ પાર્ટીના ઉમેદવાર અંકુર પટેલને 2 લાખનો ચેક રિટર્ન કેસમાં અંકલેશ્વર કોર્ટના નામદાર એડિશનલ ચીફ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટે 6 માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. અંકુર પટેલને 30 દિવસમાં ફરિયાદીને રકમ ચૂકવી ન આપે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો હુકમ કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચની પાંચ વિધાનસભા બેઠક માટે ગુરૂવારે મતદાન હાથ ધરનાર છે. જે પહેલા આજે બુધવારે અંકલેશ્વર આપના ઉમેદવારને કોર્ટે 6 મહિનાની જેલની સજાનો હુકમ કર્યો છે.

શું છે મામલો?

અંકલેશ્વર આપના ઉમેદવાર અંકુર પટેલનો કોસમડી ગામે માતંગી કોર્પોરેશન નામનો પેટ્રોલ પંપ આવેલો છે. જ્યાં તેમની મુલાકાત વર્ષ 2020માં ગામના જ મોહમદ સલીમ ઇસ્માઇલ વડીઆ સાથે થઈ હતી. જેઓ ગાડીઓ લે વેચનો ધંધો કરતો હોવાથી તે પણ પેટ્રોલ પુરાવા આવતા હતા. જે બાદ અંકુર પટેલ તેમની પાસે જરૂર હોય ત્યારે નાણાકીય લેવડ કરતા હતા. 

ગત 31 માર્ચ 2020 ના રોજ અંકુર પટેલે જરૂર હોવાથી 2 લાખ માંગતા સલીમ વાડિઆ એ ચેક આપ્યો હતો. સમય જતાં નાણાં પરત માંગતા આપના ઉમેદવારે સામે ચેક આપ્યો હતો. જે ચેક 8 જાન્યુઆરી 2021ના રોજ બેંકમાં નાખતા ઈંશફિશયન્ટ ફંડના શેરા સાથે પરત ફર્યો હતો. ફરિયાદીએ પોતાના નાણાંની માંગણી કરતા નહિ આપતા અંતે 26 ફેબ્રુઆરીના રોજ સલીમ ભાઈએ તેમના વકીલ મારફતે નોટિસ બજાવી હતી. જેનો પણ કોઈ ઉત્તર નહિ મળતા આખરે કોર્ટમાં 25 માર્ચ 2021 ના રોજ ફરિયાદ નોંધવાઈ હતી.

(5:30 pm IST)