Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

આપના અલ્પેશ કથીરીયા હરીફ ઉમેદવાર કુમાર કાનાણીના પગે પડ્યા: કાકા ભત્રીજાના મિલનથી લોકો આશ્ચર્યમાં મૂકાયા

કતારગામ વિસ્તારમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા પોલીસ સાથે રકઝક કરતા દેખાયા

સુરત :ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. નાગરિકો અને નેતાઓ સહિત ઉમેદવારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચી રહ્યા છે. ત્યારે સુરતમાં વરાછા વિસ્તારના આપના ઉમેદવાર અલ્પેશ કથારીયા મતદાન કરવા પહોંચ્યા હતા જ્યાં તેઓએ તેમના હરીફ ઉમેદવાર કુમાર કાનાણીને પગે પડી આશીર્વાદ લીધા હતા.આ તરફ કતારગામ વિસ્તારમાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા પોલીસ સાથે રકઝક કરતા દેખાયા હતા.

વરાછા વિધાનસભા બેઠક પર સૌ કોઈની નજર મંડાયેલી છે. ત્યારે આજરોજ વહેલી સવારથી આ બેઠકના મતદારો એ પોતાનો મિજાજ બતાવતા મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા હતા. આ વચ્ચે આપના ઉમેદવાર અલ્પેશ કથીરીયા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા તે દરમિયાન તેઓ પોતાના હરીફ ઉમેદવાર કુમાર કાનાણીને પગે પડી આશીર્વાદ લીધા હતા અને ગળે મળ્યા હતા. ચૂંટણીના પ્રચાર દરમિયાન અને સભાઓમાં એકબીજા સામે આરોપ અને પ્રહારો કરતા કાકા ભત્રીજા ના આ મેળાથી લોકો આશ્ચર્યમાં મુકાયા હતા. તો બીજી તરફ તેમનો આ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ યોજાઈ રહ્યો. અને તેમાં પણ ખાસ કરીને સુરતની વરાછા અને કતારગામ બેઠક જે પાટીદારોનો ગઢ ગણવામાં આવે છે. ત્યાં આપ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. સૌથી ચર્ચાસ્પદ એવી વરાછા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા પાસના કન્વીનર રહી ચૂકેલા અલ્પેશ કથારીયા ને મેદાને ઉતારવામાં આવ્યા છે જેની સામે ભાજપ દ્વારા ગુજરાત સરકાર ના મંત્રી કુમાર કાનાણીને મેદાને ઉતાર્યા છે.

 

હર હંમેશ ચર્ચામાં રહેતા અને તંત્ર સામે બાયો ચડાવતા આપના નેતા અને કતારગામ વિસ્તારના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા આજે ફરીવાર ચર્ચામાં આવ્યા હતા. કતારગામ વિસ્તારના બૂથ પર ધીમું વોટીંગ થતું હોવાથી અધિકારીઓને કહેવા જતા મામલો ઘરમાં આવ્યો હતો અને તે દરમિયાન ગોપાલ ઇટાલીયા અને પોલીસ વચ્ચે રકઝકનો મામલો સામે આવ્યો હતો.

(7:18 pm IST)