Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

નડિયાદના માઈ મંદિર રોડ પર બિઝનેસ સ્કેનર બોર્ડ અપાવવાનું પ્રલોભન આપી 1 લાખની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

નડિયાદ : નડિયાદ માઇ મંદિર રોડ પર આવેલ એક હેર આર્ટ દુકાન માલિકને એક મોબાઈલ ધારકે ગુગલ પે બિઝનેસ સ્કેનર બોર્ડ અપાવી એક્ટિવ કરવાનું પ્રલોભન આપી દુકાનદારને વિશ્વાસમાં લઈ દુકાનદારનો મોબાઇલ લઇ ગુગલ પે ના પાસવર્ડનો ઉપયોગ કરી તેમના ખાતામાંથી રૂ. ૧,૦૦,૯૯૪ ઓનલાઈન અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી દુકાનદાર સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ સંદર્ભે દુકાનદાર ની ફરિયાદના આધારે શહેર પશ્ચિમ પોલીસે અજાણ્યા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નડિયાદ ન્યુ શોરોક ગ્રાઉન્ડ સામે આવેલ રાજીવ નગર સોસાયટીમાં અરવિંદભાઈ જીવણલાલ વાળંદ (પારેખ) રહે છે. તેઓની નડિયાદમાં મંદિરની નજીકમાં ખોડલ  હેર આર્ટ  નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. 

દરમિયાન તેઓની દુકાને એક અજાણ્યો વ્યક્તિ આવેલ અને અરવિંદભાઈને પૂછેલ કે તમે ગુગલ પે વાપરો છો ? અને તમે ગુગલ પે બિઝનેસ યુપીઆઈ સ્કેનરનું બોર્ડ મૂકશો તો ગ્રાહક સીધા તમારા ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી શકશે. તેવી વાત કરી અરવિંદભાઈ પાસેથી તેમનો આધાર કાર્ડ, પાનકાર્ડ તથા બેંકની પાસબુક જોવા માટે લીધેલ હતી. ત્યારબાદ અરવિંદભાઈનો મોબાઇલ ફોન લઈ ગુગલ પે કામ કરતું નથી. હું બે દિવસ પછી આવીશ તેવું કહી જતા રહેલ. ત્યારબાદ તા.૯/૧૧/૨૨ ના રોજ બપોરના આ ભાઈ આવેલા અને જણાવેલ કે તમારે પાન કાર્ડ તથા આધાર કાર્ડમાં અટક અલગ અલગ છે. જેથી પાનકાર્ડમાં અટક સુધારવી પડશે. તેની ફી રૂ. ૧૫૦ છે. તેમ કહી અરવિંદભાઈ પાસેથી રૂ. ૧૫૦ લીધા હતા. તેમજ તેમનો મોબાઇલ ફોન લઈ ગુગલ પે એક્ટિવ કરતો હતો. પરંતુ એક્ટિવ થયેલ ન હોવાનું કહી પોતાનું નામ જુનેદભાઈ જણાવી પોતાનો મોબાઈલ  નંબર આપી જતો રહ્યો હતો. ત્યારબાદ તા.૧૪મીના રોજ જુનેદભાઈ દુકાને આવી મારા ફોન ગુગલ પે યુપીઆઈના સ્કેનરનું બોર્ડ આપી ગયા હતા. દરમિયાન તેઓના દીકરાએ તપાસ કરતા અલગ-અલગ ટ્રાન્ઝેક્શન કરી અરવિંદભાઈ ના ખાતામાંથી રૂ. ૧,૦૦,૯૯૪ ઓનલાઈન ઉપાડી લીધા હતા. આ બનાવ સંદર્ભે અરવિંદભાઈએ સાયબર સેલમાં જુનેદભાઈ નામના વિરુદ્ધ અરજી આપી હતી. આ બનાવ સંદર્ભે અરવિંદભાઈ ની ફરિયાદના આધારે શહેર પશ્ચિમ પોલીસે જુનેદભાઈ નામના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:25 pm IST)