Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

અમદાવાદ:સેટેલાઈટના પ્રેરણાતીર્થ બંગ્લોમાં એઈસીના નિવૃત એમડી સાથે 5.85 લાખની છેતરપીની થતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: સેટેલાઈટના પ્રેરણાતીર્થ બંગલોમાં રહેતાં એઈસીના નિવૃત્ત એમડી સાથે ગઠિયાએ ૫.૮૫ લાખની છેતરપિંડી આચર્યાની ઘટના બની છે. સેટેલાઈટ પોલીસે પિયુષ પટેલ નામની આઈડી આપી ફરાર થઈ ગયેલા શખ્સ વિરૂદ્ધ બુધવારે ગુનો દાખલ કર્યો હતો. આરોપી ફરિયાદીને ખોટી સહી કરેલો ચેક આપી મર્સીડીઝ કાર લઈ ફરાર થઈ ગયો હતો.

સેટેલાઈટમાં રહેતાં ૬૭ વર્ષીય મુરલી રંગનાથને પિયુષ મહેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ફરિયાદીએ તેઓની મર્સીડીઝ કાર આએલએક્સ પર વેચવા માટે મુકી હતી. આ એડ જોઈને ફરિયાદીને પિયુષ નામના શખ્સે ફોન કરી કાર ખરીદવાની વાત કરી હતી. ગત તા.૯મી નવેમ્બરના રોજ આરોપી ફરિયાદીના ઘરે પહોંચ્યો અને કાર જોયા બાદ ૫.૮૫ લાખમાં સોદો નક્કી કરી બીજા દિવસે પેમેન્ટ આપવાની વાત કરી હતી. બીજા દિવસે સવારે આરોપીએ ફરિયાદીના ઘરે વેચાણ સમંતી કરાર કર્યો જેની એક કોપી પોતાની પાસે રાખી હતી. પિયુષ નામધારી શખ્સે ફરિયાદીને એક્સીસ બેંકનો ૫.૮૫ લાખની મત્તાનો ચેક આપ્યો તેમજ કાર લઈ ગયો હતો. ફરિયાદીએ તે જ દિવસે ચેક ભરતા બીજા દિવસે બેંકમાંથી ચેક ખોટી સહીને કારણે પરત ફર્યો હતો. ફરિયાદીએ ફોન કરી પૈસાની માંગણી કરતા આરોપી પિયુષે ઘરે આવી રોક્ડા આપી જઈશ તેમ જણાવ્યું હતું. જો કે, અવારનવાર ફોન કરવા છતાં આરોપી ફરિયાદી મુરલી રંગનાથનને પૈસા ના ચુકવી સમય પસાર કરતો હતો. 

(7:37 pm IST)