Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

અમદાવાદના ઘાટલોડિયામાં મહિલાને રસ્તામાં આંતરી માથાભારે શખ્સે અભદ્ર વર્તન કરતા બે વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ: ઘાટલોડીયા વિસ્તારમાં સુરમ્ય એપાર્ટમેન્ટ પાસે મહિલાને રસ્તામા આંતરી માથાભારે શખ્સે હાથ પકડી બદનામ કરવાની ધમકી આપી હતી. મહિલાના પતિ પાસે પૈસા માંગતા લેણદારો આ કૃત્ય આચર્યાની વિગતો ખુલતા પોલીસે છ દિવસ અગાઉ બનેલી ઘટના અંગે મંગળવારે બે આરોપી સામે ગુનો દાખલ કર્યો છે. 

ઘાટલોડીયા વિસ્તારમાં રહેતી ૩૨ વર્ષીય મહિલા ગત તા.૨૫મી નવેમ્બરના રોજ સવારે ૧૧.૩૦ વાગ્યે નહેરૂનગર વિસ્તારની શાળામાં અભ્યાસ કરતા બાળકોને લેવા ઘરેથી એક્ટિવા પર નીકળી હતી.તે સમયેે ગાંડાભાઈ બાબુભાઈ દેસાઈ (રહે,કર્ણાવતી એપાર્ટમેન્ટ, નારણપુરા) અને સંજય ગણેશભાઈ દેસાઈ (રહે, વાળીનાથ ચોક, મેમનગર)નાએ મહિલાને સુરમ્ય એપાર્ટમેન્ટ પાસે રસ્તામાં આંતરી હતી. આરોપીઓએ મહિલાનો હાથ પકડી ધમકી આપી કે, તારો જૂના નંબર ચાલુ કરાવી દે, નહી તો મને નવો નંબર આપ. તારા પતિએ મારી પાસેથી લીધેલા રૂપિયા મને હપ્તેથી ચુકવી દે નહી તો તને બદનામ કરી નાંખીશું. મહિલાએ મારા પતિએ તને સમાજ વચ્ચે પૈસા ચુકવી દીધા તેમ જણાવતા આરોપીએ ગાંધીનગરના વ્યક્તિનું નામ આપી મહિલાને ડરાવી હતી. આરોપીઓ મહિલાને અપશબ્દો બોલીને સ્થળ પરથી નીકળી ગયા હતા. બનાવ અંગે ઘાટલોડીયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

(7:38 pm IST)