Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

ઝઘડિયા વિધાનસભામાં સમાવિષ્ઠ 4 થી વધુ ગામોમાં પ્રાથમિક સુવિધા મામલે ચૂંટણીનો બહિષ્કાર કર્યો :સમજાવટ બાદ મતદાન

વાલિયા તાલુકાના કેસરગામના 365 મતદારોએ ચૂંટણીઓનો બહિષ્કાર કરતા ચૂંટણી તંત્ર દોડતું થઇ ગયું

અમદાવાદ : વિધાનસભાની ચુંટણીના મતદાનનો વાલિયા તાલુકાના કેસરગામના 365 મતદારોએ ચૂંટણીઓનો બહિષ્કાર કરતા ચૂંટણી તંત્ર દોડતું થઇ ગયું હતું.

 છેલ્લા ઘણા સમયથી વાલિયા તાલુકાના કેસર ગામના મતદારો પ્રાથમિક સુવિધાના અભાવે તેમજ કીમ નદી પર પુલ અંગે તે સમયના કલેકટર અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત હતી પરંતુ અત્યાર સુધી 700 થી વધુના વસ્તી ધરાવતા ગામમાં પ્રાથમિક સુવિધા નહી પૂરું પાડવામાં આવતા લોકો હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

 ઈટકલા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ આ ગામમાં બંને ગામો વચ્ચે કીમ નદી ઉપર પુલ નહિ હોવાથી ચોમાસાના 4 મહિનામાં ઇટકલા અને ડહેલી ગામની શાળામાં અભ્યાસ કરવા જતા તેમજ સસ્તા અનાજની દુકાન સહીત દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે.

જેને પગલે લોકસભાની ચૂંટણી, ગ્રામ પંચાયતની ચૂંટણી અને તાલુકા પંચાયતની ચૂંટણી બાદ પણ સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ નહિ થતા આજરોજ વિધાનસભાની ચૂંટણીનો પણ ગ્રામજનોએ બહિષ્કાર કરી મતદાનની પ્રક્રિયાથી અળગા રહી વિરોધ નોંધાવ્યો હતો અને જ્યાં સુધી પુલ નહી ત્યાં સુધી વોટ નહી તેવી ચીમકી ઉચ્ચારી છે. જયારે નેત્રંગ તાલુકાના અને ઝઘડિયા વિધાનસભામાં સમાવિષ્ઠ મૌઝા, ઝરણા ફોરેસ્ટ ફળિયું અને બલદવા ગામના ગ્રામજનોએ પણ ચૂંટણીનો બહિષ્કાર કરી મતદાન નહિ કરતા ચૂંટણી તંત્ર દોડતું થયું હતું અને અધિકારીના સમજાવટ બાદ 2 કલાક પછી મતદાન પ્રક્રિયા શરુ થઇ હતી.

(7:40 pm IST)