Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ મતદાન બદલ મતદારોનો આભાર માનતા મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી

મતદાન દરમ્યાન 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા: ભારતના ચૂંટણી પંચ દ્વારા 33 એલર્ટ્સ, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે 104 ફરિયાદો મળી અને c-VIGILથી 221 ફરિયાદો મળી

અમદાવાદ :ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ મતદાન બદલ ગુજરાતના 19 જિલ્લાઓના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, વહેલી સવારથી જ નાગરિકોએ આનંદ અને ઉત્સાહથી મતદાનનો આરંભ કર્યો હતો. વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને લોકોએ આનંદ અને ઉલ્લાસપૂર્વક લોકશાહીના આ અવસરની ઉજવણી કરી હતી.

  ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ ગુજરાતના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી. ગુજરાતના ચૂંટણી તંત્ર વતી શ્રીમતી પી. ભારતીએ  રાજીવકુમાર અને ભારતના ચૂંટણી કમિશનનો યોગ્ય માર્ગદર્શન અને સહયોગ બદલ આભાર માન્યો હતો.
પ્રથમ તબક્કાનું મતદાન આજે સાંજે 5:00 વાગે સંપન્ન થયું હતું. પ્રાથમિક અંદાજો પ્રમાણે 89 બેઠકો માટે યોજાયેલા મતદાન સંદર્ભે હજુ ઘણી જગ્યાએથી મતદાનના આંકડા જિલ્લાઓમાંથી આવી રહ્યા છે. આજે મોડી રાત્રે ચોક્કસ ટકાવારી જાણી શકાશે.
પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તથા ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે.
જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં પુરુષો અને મહિલાઓ માટેના અલગ મતદાન મથકની માંગણી હતી. આ કારણોસર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. ભરૂચ જિલ્લાના કેસર ગામ ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મતવિસ્તારના સામોટ ગામમાં કુલ 1625 મતદારો છે. સમોટ ગામની એક કૃષિ જમીનમાં દબાણને નિયમિત કરવા સંદર્ભે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. આ બાબત નીતિવિષયક હોઈ વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વારંવાર સમજાવવામાં આવ્યા હતા અને મતદાન કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો, છતાં ગ્રામજનો મતદાનથી દૂર રહ્યા હોવાની જાણકારી મળી છે.
19 જિલ્લાઓમાં ઇવીએમ દ્વારા મતદાનની પ્રક્રિયા સરળ અને સુપેરે પૂર્ણ થઈ છે. 26,269 બી.યુ.(બેલેટ યુનિટ), 25,430 સી.યુ. (કંટ્રોલ યુનિટ) અને 25,430  VVPAT  કાર્યરત હતા. આજે મતદાન દરમ્યાન 19 જિલ્લાઓમાં 89 બેલેટ યુનિટ, 82 કંટ્રોલ યુનિટ અને 238 વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા હતા. આજે દિવસ દરમ્યાન માત્ર 0.34%  બેલેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.  0.32% કંટ્રોલ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે અને 0.94% વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. આજે દિવસ દરમ્યાન EVM અંગેની કુલ 18 ફરિયાદો મળી હતી. તમામ જિલ્લાઓમાં ઝોનલ ઓફિસર કે જે તે વિસ્તારના ઇન્ચાર્જ પાસે રિઝર્વ મશીન સેટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા હતા. જ્યાં પણ નાની મોટી સમસ્યા સર્જાઈ, ત્યાં બિલકુલ નજીવા સમયમાં ઇવીએમના બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ કે વીવીપેટ યુનિટ રિપ્લેસ કરવામાં આવ્યા છે.
આજે મતદાનના કલાકો દરમ્યાન ભારતના ચૂંટણી પંચ દ્વારા 33 એલર્ટ્સ મળી હતી. જેમાં EVM અંગેના 17 એલર્ટ્સ, ચૂંટણી બહિષ્કારની 05, ટોળા અને હિંસા અંગેની 02, આદર્શ આચરસંહિતા ભંગની 02 તથા અન્ય 07 એલર્ટ્સ હતી. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે EVM અંગેની 06 ફરિયાદો, બોગસ વોટીંગની 02, કાયદો અને વ્યવસ્થા અંગેની 30, આદર્શ આચરસંહિતા ભંગની 36 તથા અન્ય 30 ફરિયાદો મળી કુલ 104 ફરિયાદો મળી હતી. અન્ય પ્રકારની ફરિયાદોમાં ધીમું મતદાન, બોગસ વોટીંગ અને પાવર કટ અંગેની ફરિયાદો મળી હતી. c-VIGILથી 221 ફરિયાદો મળી હતી.

(7:42 pm IST)