Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક, ૨૦૨૧ :છેવાડાના માનવી સુધી ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પહોંચાડી :તેમની જીવનશૈલી વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ : નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ

ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક, ૨૦૨૧ સર્વાનુમતે પસાર

ગાંધીનગર :આધુનિક શિક્ષણનીતિ, હાલની શિક્ષણની માંગને સુસંગત એક નવા અને આધુનિક રૂપમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને દિશા આપવા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક, ૨૦૨૧  રજૂ કરતાં  નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું હતું કે,  છેવાડાના માનવી સુધી ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પહોંચાડી તેમની જીવનશૈલી વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

 નાયબ મુખ્ય મંત્રીએ કહ્યુ હતું કે, સંસદના અધિનિયમમાં સમાવિષ્ટ ઘોષણાથી પ્રેરીત અને પ્રોત્સાહિત થઇને, રાજ્ય સરકારે અસંખ્ય જાણીતા અથવા અજાણ્યા ઋષિઓ સહિત અથર્વવેદ  અને મહર્ષિ ચરક દ્વારા રજુ કરવામાં આવેલા આયુર્વેદનું પ્રાચીન જ્ઞાન આપતી સંસ્થાઓ અને કોલેજોમાં, સંસ્થાઓ અને કોલેજો, રાજ્ય તેમજ દેશના લોકોમાં જ્ઞાનનો ફેલાવો કરવામાં નવા શિખરો સર કરે તે હેતુથી, આયુર્વેદમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા અને સંસ્થાઓ તથા કોલેજોના વહીવટમાં વ્યવસાયીકરણ લાવવાની કામગીરી હાથ ધરી છે. આ હેતુ પાર પાડવા માટે વિદ્યમાન સંસ્થાઓ અને કોલેજોના શિક્ષણ અને વહીવટને વેગવંતો બનાવવાથી, ઔષધ આયુર્વેદ પધ્ધતિમાં ઉંડાણપૂર્વકના સંશોધન દ્વારા નવી શિક્ષણ પધ્ધતિ વિકસીત કરી શકાશે જેથી કરીને, એલોપેથીક, હોમિયોપેથીક, ઔષધની પધ્ધતિઓની સાથે, આયુર્વેદ પધ્ધતિ એક સુસજ્જ અને આધુનિક તબીબી પધ્ધતિ બની શકે. રાજ્ય સરકાર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અધિનિયમ-૧૯૬૫ રદ કરી અને કેટલીક વધુ સમય માંગી લેતી પ્રક્રિયાઓ દૂર કરીને નવી અસરકારક રૂપરેખામાં તેને ફરીથી અધિનિયમીત કરશે. આયુર્વેદ યુનિવર્સિટી અને કોલેજોના વહીવટની નવી પધ્ધતિઓમાં પણ તેનો  સમાવેશ કરાશે.
 નાયબ મુખ્ય મંત્રીએ કહ્યુ હતું કે, આ નવી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) નામની સંસ્થાને પાંચમા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ૧૩ નવેમ્બર, ૨૦૨૦ના રોજ એટલે કે ધનતેરસના દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ લોકાર્પણ કરીને ફરી એક વાર ગુજરાતને તેઓનુ રૂણી બનાવ્યુ છે. આજના આધુનિક યુગમાં આપણી સદીઓ પુરાણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ ઘણી કારગર પુરવાર થયેલ છે. પ્રાચીનકાળથી રોગોના ઉપચાર તથા રોગપ્રતિકારક શકિત વધારવા માટે તથા શરીરના વિવિધ પ્રકારના રોગોના નિદાનનું કરવા,  સ્ત્રી તથા બાળરોગોનો અસરકારક નિરાકરણ કરવા દેશમાં ઉપલબ્ધ જડીબુટૃી, વનસ્પતિઓ તથા અન્ય સંસાધનોનો ઉપયોગ કરી, વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ શરૂ કરવામાં આવી છે. ભારત દેશ વિવિધ રસાયણોનો ઉપયોગ કરી પ્રાચીન કાળથી આરોગ્ય ક્ષેત્રે સમૃધ્ધ રહ્યો છે. કાળક્રમે એલોપથી ચિકિત્સા પધ્ધતિની આડઅસરોના કારણે રોગ પ્રતિકારક શકિતઓમાં ઘટાડો જોવા મલ્યો છે. ત્યારે આર્યુવેદ તથા ભારતીય ચિકિત્સા પધ્ધતિઓનો પ્રસાર-પ્રચાર થાય, નવી ક્ષિતિજો ખૂલે, લોકો ભારતીય ચિકિત્સા પધ્ધતિ તરફ વળે, તે માટે ભારતીય ચિકિત્સા પધ્ધતિના નિષ્ણાતોની સંખ્યા વધારવા અને ગ્રામીણ સ્તર સુધી /છેવાડાના માનવી સુધી ભારતીય ચિકિત્સા પધ્ધતિ પહોચે તે માટે રાજય અને કેન્દ્ર સરકાર કટિબધ્ધ છે.
 નાયબ મુખ્ય મંત્રીએ કહ્યુ હતું કે, હાલની આધુનિક જીવન પધ્ધતિના કારણે મનુષ્યમા કામનો સ્ટ્રેસ, આહાર-વિહારમાં પરિવર્તનના કારણે લાઇફ સ્ટાઇલ રોગોનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને તેને યોગ તથા ભારતીય ચિકિત્સા પધ્ધતિથી નિયંત્રણમાં રાખી શકાય તેમજ જીવનશૈલી સુદ્રઢ બનાવા માટે આયુર્વેદની આ ભારતીય ચિકિત્સા પધ્ધતિઓ અસરકારક સાબિત થઇ શકે છે, એવા ઉમદા હેતુસર આયુર્વેદ પધ્ધતિનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકાર કટિબધ્ધ છે, ત્યારે રાજ્યમાં રાષ્ટ્રીય મહત્વની સંસ્થા એવી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) સ્થાપનાએ ગુજરાતને આયુર્વેદના ક્ષેત્રમાં એક આગવો દરજ્જો પ્રાપ્ત થયો છે. ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી ભેટમાં મળેલ આ રાષ્ટ્રીય મહત્વની સંસ્થા ગુજરાતને તથા દેશને આયુર્વેદ શિક્ષણમાં આંતરાષ્ટ્રીય ખ્યાતિ અપાવશે.
 રાષ્ટ્રીય મહત્વની સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર સાથે જોડાયેલ ત્રણ પ્રતિષ્ઠિત સંસ્થાઓ (૧) ઇન્સ્ટીટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદા,(૨) શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને (૩) ધી ઇન્ડીયન ઇન્સટીટ્યુટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ ફાર્મસી યુનિટ સહિતને એકીકૃત કરીને સ્થાપવામાં આવેલ છે. ત્રણ સંસ્થાઓ ITRA Act, 2020 ની સ્થાપના અગાઉ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી-જામનગર સાથે સંલગ્ન હતી. હવે ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ સ્થાપના થવાથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન આ ત્રણેય સંસ્થાઓને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીથી અલગ કરવાની થતી હતી અને તે માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક્ટ, ૧૯૬૫માં સુધારો કરવાનો થતો હતો કે જેથી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ કાર્યરત થઇ શકે.
   આમ, આવા સમયે રાજ્ય સરકારે આ તકને ઝડપી વર્ષો જુના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી અધિનિયમ, ૧૯૬૫ને સ્થાને આધુનિક શિક્ષણનીતિ,હાલની શિક્ષણની માંગને સુસંગત એક નવા અને આધુનિક રૂપમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને દિશા આપવા માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક, ૨૦૨૧  લાવવામાં આવ્યુ છે.
  અત્રે ઉલ્લેખનીય છે કે,ભારતની સંસદે સપ્ટેમ્બર, ૨૦૨૦માં ગુજરાતની આયુર્વેદ શિક્ષણ સાથે જોડાયેલ ત્રણ પ્રતિષ્ઠિત સંસ્થાઓ (૧) ઇન્સ્ટીટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ, (૨) શ્રી ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને (૩) ધી ઇન્ડીયન ઇન્સટીટ્યુટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ ફાર્મસી યુનિટને એકીકૃત કરીને રાષ્ટ્રીય મહત્વની સંસ્થા એવી ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદની સ્થાપના કરવા માટે ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ એક્ટ (ITRA), ૨૦૨૦ પસાર કર્યુ હતું જે ગુજરાત રાજ્ય માટે ખરેખર એક ગર્વની બાબત ગણી શકાય. આ વિધેયક વિધાનસભા ખાતે સર્વાનુમતે  કરાયું હતું.

(9:00 pm IST)