Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેશે: નીતિનભાઈ પટેલ

માં અમૃતમ/મા વાત્સલ્ય યોજના અંતર્ગત તબીબી સેવા આપતી હોસ્પિટલોએ બોર્ડ લગાવવું જરૂરી

ગાંધીનગર : CM ડેશબોર્ડના માધ્યમથી કોવિડ હોસ્પિટલોમાં તબીબો, આરોગ્યકર્મી-સારવારગ્રસ્ત વ્યક્તિઓ સાથે સંવાદ કરી તલસ્પર્શી માહિતી મેળવાય છે. હવે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેશે.

ગુજરાત વિધાનસભામાં અંદાજપત્ર સત્ર દરમિયાન કોરોના મહામારી સંદર્ભે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રશ્ન કર્યો હતો કે, ખાનગી હોસ્પિટલોમાં વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ થાય, મા અમુત્તમ કાર્ડ, મા કાર્ડ એમાં જે લાભ મળતો હતો એ ખાનગી હોસ્પિટલમાં કોરોનાની ટ્રીટમેન્ટમાં આપતાં નથી, આ કાર્ડધારકોને વિનામૂલ્યે સારવાર આપવાની વ્યવસ્થા કરવા માંગો છો કે કેમ તેમ જ દરેક હોસ્પિટલોમાં સરકારે કે ખાનગી હોસ્પિટલોમાં બહાર મુલાકાતીઓનું જે હેલ્પ ડેસ્ક છે, દરેક વોર્ડને આપણે વીડીઓ કોન્ફરન્સ સાથે જોડી દઇએ, તો દિવસમાં એક વખત દર્દીની તેના પરિવારજન સાથે વાત થાય તો વિશ્વાસનો સેતુ બંધાય તેવી કોઇ વ્યવસ્થા કરવા માંગો છો કે કેમ તેવા પ્રશ્નો કર્યા હતા.

આ પ્રશ્નોનો ઉત્તર આપતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણ વધ્યું હતું ત્યારે રાજ્યના નાગરિક સારવારથી વંચિત ન રહે તે હેતુથી ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ રાજ્ય સરકારે પોતાની હસ્તક લીધી હતી. જ્યારે રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટ્યું ત્યારે સરકારી હોસ્પિટલમાં 80 ટકાથી વધુ પથારીઓ ખાલી થઈ હતી. પરંતુ હવે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્યના નાગરિકોને યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેશે.

રાજ્યના નાગરિકોને સરળતાથી સસ્તી અને ઉચ્ચ કક્ષાની સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે અનેકવિધ આરોગ્યલક્ષી યોજનાઓ બનાવી છે. રાજયની જે ખાનગી હોસ્પિટલો આ યોજનાઓનો લાભ આપતી હોય તે હોસ્પિટલોમાં આરોગ્યલક્ષી યોજનાઓ જેવી કે મા વાત્સલ્ય/માં અમૃતમ યોજનાઓ અંતર્ગત સારવાર આપવામાં આવે છે તેવું બોર્ડ લગાવવું આવશ્યક છે.

નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે ઉચ્ચ સ્તરીય કોર કમિટીની બેઠકમાં હોસ્પિટલોની કાર્યક્ષમતાની સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. કોરોનાની મહામારી જ્યારે ચરમસીમા ઉપર હતી ત્યારે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને વિનામૂલ્યે ચા-નાસ્તો, જમવાનું પૂરું પાડવામાં આવતું હતું. સેવા આપનાર તબીબો, આરોગ્યકર્મીઓને રહેવા માટે હોટલોની વ્યવસ્થા પણ રાજ્ય સરકારે વિનામૂલ્યે કરી હતી. હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને એકલતા ન લાગે અને પોતાના પ્રિયજનો ખબર અંતર પૂછી શકે તે માટે આરોગ્યકર્મીઓ મોબાઇલ ફોનથી વિડીયોકોલ પણ કરી આપતા હતા. કેન્દ્ર સરકારના સચિવોએ રાજ્ય સરકારની કામગીરી નિહાળી તેની પ્રશંસા પણ કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લાની માહિતી આપતા કહ્યું હતું કે તારીખ 31-01 2021ની સ્થિતિએ એપ્રિલ 2020માં રૂ. 25,32,000ના ખર્ચે 100 બેડ અને મે-2020માં 4,62,000ના ખર્ચે 100 બેડ ઓક્યુપાય કર્યા હતા.

(9:16 pm IST)