Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ગુજરાત ચિકિત્સા સંસ્થા રજીસ્ટ્રેશનઅને નિયમન અધિનિયમ - ૨૦૨૧ વિધાનસભા ગૃહ માં સર્વાનુમતે પસાર : સરકારનો ઉદેશ્ય છેવાડાનાં સામાન્ય અને ગરીબ દર્દીને પણ અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે અને તેને દીર્ધાયું પ્રાપ્ત થાય તેવો છે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ

ચિકિત્સા સંસ્થા રજીસ્ટ્રેશનથી આરોગ્ય સંલગ્ન તમામ એકમો, લેબોરેટરી હોસ્પિટલો વગેરેની માહિતી સરકારને તથા સામાન્ય જનતાને મળી રહેશે : ખાનગી હોસ્પિટલો દ્વારા ઊતરતી કક્ષાની આરોગ્ય સેવા, બોગસ-ડીગ્રી વગરના ડોકટરો, વધુ રકમ વસુલ્યા અંગેની ફરિયાદ બાબતોનું નિરાકરણ માટે મદદરૂપ

ગાંધીનગર : નાયબ  મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે સરકારનો ઉદેશ્ય છેવાડાનાં સામાન્ય અને ગરીબ દર્દીને પણ અસરકારક આરોગ્ય સેવાઓ મળી રહે અને તેને દીર્ધાયું પ્રાપ્ત થાય તે માટે કટિબદ્ધ છે.

              રાજ્યમાં ચિકિત્સા સંસ્થાઓ દ્વારા પુરી પાડવામાં આવતી સુવિધાઓ અને સેવાઓના સમાન ધોરણો સુનિશ્ચિત કરવાની જરૂરીયાત અને  રાજ્યને લાગુ પડતો ગુજરાત નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન અધિનિયમ-૧૯૪૯ રદ કરી  આરોગ્ય સેવાના ઉદ્દેશો સિધ્ધ કરવા માટે ગુજરાત ચિકિત્સા સંસ્થા રજીસ્ટ્રેશન અને નિયમન અધિનિયમ-૨૦૨૧ પુન: અધિનિયમિત કરવાનું વિધેયક  નાયબ  મુખ્યમંત્રી   નીતિનભાઈ પટેલે   ગૃહ માં રજૂ  કર્યું હતું.

           નાયબ મુખ્ય મંત્રી એ જણાવ્યું કે હાલમાં જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રો દ્વારા આરોગ્ય સંભાળ વિતરણ વ્યવસ્થાથી લોકોને પુરી પાડવામાં આવતી સેવાઓની ગુણવત્તાની દેખરેખ રાખવા અને તેનું નિયમન કરવાને લગતી બાબત આરોગ્ય સંભાળ વિતરણ વ્યવસ્થાનું હાલનું માળખું કાર્યક્ષમતાના સુધારણા માટે પૂરતુ પ્રોત્સાહન પુરૂ પાડવુ  જરૂરી  છે.

              નાયબ મુખ્ય મંત્રી એ જણાવ્યું કે  રજુ કરેલ ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટથી રાજ્યની તમામ ચાલુ તથા નવી શરૂ થનાર હોસ્પિટલ, નર્સિંગ હોમ, લેબોરેટરી વગેરેનું રજીસ્ટ્રેશન ફરજીયાત થશે જેથી આરોગ્ય સંલગ્ન તમામ એકમો લેબોરેટરી હોસ્પિટલો વગેરેની માહિતી સરકારને તથા સામાન્ય જનતાને મળી રહેશે.

            કોરોના જેવી વૈશ્વિક મહામારી દરમ્યાન વિસ્તાર દીઠ ડોકટરોની સંખ્યા તથા સંબંધિત ટેકનિકલ સ્ટાફ અને સાધનોની માહિતીથી તેની સામે વધુ અસરકારક રીતે લડી શકાય તેમજ મજબુત નીતિ નિર્માણ થાય તે જરૂરી હોઇ આ બીલ રજુ કરવા માં આવ્યું છે.

               નાયબ  મુખ્યમંત્રી   નીતિનભાઈ પટેલે જણાવ્યું કેન્દ્ર સરકારે ૨૦૧૦માં ક્લિનિક્લ એસ્ટાબ્લીસમેન્ટની રૂપરેખા તૈયાર કરેલ છે. આરોગ્ય સેવાઓ રાજ્ય સરકારનો વિષય હોઇ દરેક રાજ્યોએ પોતાની રીતે તેમાં જરૂરી સુધારા-વધારા સાથે આ કાયદાને અમલમાં લાવવાનો રહે છે. ગુજરાતે પણ આ વિષયમાં હવે આગળ વધવા નિર્ણય કરેલ છે.

             ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટસ (રજીસ્ટ્રેશન અને રેગ્યુલેશન) વિધેયક,૨૦૨૧ ની આવશ્યક્તા અંતર્ગત નાયબ મુખ્યમંત્રી   જણાવ્યું કે રાજ્યમાં ખાનગી આરોગ્ય સેવાઓનો વ્યાપ્ત વધારે હોવાથી તેમાં પણ દર્દીઓને ઉમદા કક્ષાની આરોગ્ય સેવાઓ મળે તે અનિવાર્ય છે.

            વખતો વખત ખાનગી હોસ્પિટલો દ્વારા ઊતરતી કક્ષાની આરોગ્ય સેવા, બોગસ-ડીગ્રી વગરના ડોકટરો, નિયત કરતા વધુ રકમ વસુલ્યા અંગેની ફરિયાદ બાબતોનું નિરાકરણ લાવવા માટે આ સરકાર  વિધેયક લાવી દર્દીઓના હિત માટે આ સંવેદનશીલ નિર્ણય કરેલ છે.

               ગુજરાત કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટસ (રજીસ્ટ્રેશન અને રેગ્યુલેશન) વિધેયક,૨૦૨૧ થી થનાર લાભ અંતર્ગત નાયબ  મુખ્યમંત્રીએ જણાવ્યું કે (૧) રાજ્યમાં આવેલા કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટસની સર્વાગ્રાહી ડીજીટલ નોંધણી અને વ્યવસ્થિત રીતે માહિતીનું એકત્રીકરણ કે જે નીતિ ઘડતર તથા જાહેર આરોગ્યને લગતા જોખમો, રોગચાળા નિયંત્રણ અને તેની વધુ સારી રીતે દેખરેખ, ત્વરિત પગલાં લેવા અને મેનેજમેન્ટ કરવાની સુવિધા પૂરી પાડશે.(૨) રાજ્યની તમામ ખાનગી, જાહેર આરોગ્ય સંસ્થાઓનું રજીસ્ટ્રેશન, રેગ્યુલેશન અને ગુણવત્તાનાં સમાન ધોરણો નક્કી થતા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.(૩) રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને તેની માહિતી જાહેર જનતા જોઈ શકે તેવી પારદર્શિતા રહેશે. દરેક કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટસમાં ઉપલબ્ધ સેવાઓ સગવડો અને તેના દરો સરળતાથી નાગરિકો જોઈ શકશે જેથી  ડોક્ટર/હોસ્પિટલ/લેબોરેટરીઓ અને દર્દીઓ વચ્ચે વિશ્વાસ વધશે તેમજ બિનજરૂરી ઘર્ષણ ઘટશે.

(૪) આકસ્મિક સારવાર- અકસ્માત, પ્રસુતિ વગેરેનું વધુ સારું મેનેજમેન્ટ થઇ શકશે.

(૫) તમામ રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ થશે.

(૬) ખાનગી દવાખાનાઓ અને હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા રજુ કરાતા ખોટા કલેઈમ ચકાસી શકાશે.(૭) સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ તથા ન્યૂનતમ ધોરણો નક્કી કરવાના કારણે બિન તંદુરસ્ત પ્રણાલીઓ અસરકારક રીતે અટકાવી શકાશે. (૮) રાજ્યમાં પ્રવર્તતા બીમારીનાં પ્રકાર અને પ્રમાણ જાણી શકાશે, જે રાજ્યની આરોગ્ય અંગેની નીતિ ઘડવામાં અગત્યનું પરિબળ રહેશે.(૯) લાયકાત ધરાવતા વ્યક્તિઓ, સંસ્થાઓ દ્વારા જ કલીનીકલ એસ્ટાબ્લીસમેન્ટ ચલાવવાની જોગવાઈનાં કારણે ડીગ્રી વગરના ડોકટરો તથા ઓછી લાયકાત ધરાવતા ડોકટરો પર અસરકારક નિયંત્રણ મેળવી શકાશે.(૧૦) લાયકાત ધરાવતા તજજ્ઞો અને સહાયક સ્ટાફ માટે રોજગારીની તકમાં વધારો થશે જેથી વિદ્યાર્થીઓની તબીબી શિક્ષણ અને તેને સંલગ્ન અભ્યાસમાં રૂચી વધશે અને સશક્ત માનવબળનું નિર્માણ થશે. ગુજરાત  ચિકિત્સા સંસ્થા ઓ (રજીસ્ટ્રેશન અને નિયમન ) વિધેયક -2021 વિધાનસભા ગૃહ માં સર્વાનુમતે પસાર કરવા માં આવ્યું હતું.

(11:12 pm IST)