Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

ત્રીજી લહેર ઘણી ગંભીર હશે ?

ગુજરાતમાં ૧ સપ્તાહમાં ૨૩ ટકા કેસ વધ્યા

૫૦ વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓને પણ ગંભીર પરિસ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે :રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૪૧૦ નવા કેસ નોંધાયા : હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો : સામાન્ય લક્ષણોની અવગણના ન કરવાની ડોકટર્સ આપી રહ્યા છે સલાહ

અમદાવાદ,તા.૨:  ગુજરાત રાજયમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે. પાછલા ૨૪ કલાકમાં રાજયમાં કોરોનાના ૨૪૧૦ નવા કેસ નોંધાયા છે તેમજ હોસ્પિટલના બેડ પણ ઝડપથી ભરાઈ રહ્યા છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોમાં ૬૪ ટકા ભરાઈ ગઈ છે. આ સિવાય કેસમાં વધારો થવાને કારણે શહેરની મુખ્ય બે હોસ્પિટલો સિવિલ અને સોલા સિવિલમાં પણ ૫૦ ટકા બેડ ભરાઈ ગયા છે.

માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસમાં થઈ રહેલા બદલાવને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. કોરોનાની ત્રીજી લહેરમાં સંક્રમણની તીવ્રતા ઓછી હશે તેવી આશા હતી પરંતુ શહેરના નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, દાખલ થનારા અમુક દર્દીઓની પરિસ્થિતિ ગંભીર હોય છે.

અમદાવાદની ૯૦ ખાનગી હોસ્પિટલોમાં દાખલ ૨૦૯૦ દર્દીઓમાંથી ૨૩ ટકા દર્દીઓ વેન્ટિલેટર પર હતા અથવા આઈસીયૂમાં હતા. સરકારી હોસ્પિટલોમાં પણ આ આંક લગભગ સરખો જ છે.

મૃત્યુદરમાં હજી નોંધપાત્ર વધારો જોવા નથી મળ્યો, જે એક સકારાત્મક બાબત છે. દિવાળી પહેલાના સમયગાળામાં જયારે પ્રત્યેક ૧૦૦૦ દર્દીઓમાં ૧૦ દર્દીઓ જીવ ગુમાવતા હતા, તેની સરખામણીમાં હાલમાં કોરોનાના ૧૦૦૦ દર્દીઓમાં ૩ દર્દીઓના મૃત્યુ થાય છે.

ઈન્ડિયન મેડિકલ અસોસિએશનના સભ્ય તેમજ અમદાવાદમાં કાર્યરત પેથોલોજિસ્ટ ડોકટર મુકેશ મહેશ્વરી જણાવે છે કે, 'સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓમાં પણ સીટી સિવેરીટી સ્કોર ૧૭થી ૨૪ના વચ્ચે હોય છે, જે પ્રમાણમાં વધારે છે. આ જ કારણે કદાચ ઝડપથી સંક્રમણ વધી રહ્યું છે. અમે એવા ઘણાં પરિવારો જોયા છે જયાં એકસાથે ઘરના ૩-૪ સભ્યોની સારવાર ચાલી રહી હોય.' વધુમાં તેમણે જણાવ્યું કે, દર્દીઓમાં સામાન્યપણે સીઆરપી સ્કોર ઓછો જોવા મળે છે, જેના કારણે મૃત્યુદરમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ ડોકટર પ્રદિપ પટેલ જણાવે છે કે, ગત્ અઠવાડિયાની સરખામણીમાં વધારે દર્દીઓને દાખલ કરવાની જરૂર પડી છે. ૫૦ વર્ષથી ઓછી ઉંમર હોય તેવા પણ ઘણાં દર્દીઓમાં વાયરસની તીવ્રતા વધારે જોવા મળે છે. જો કે સારવારની પદ્ઘતિમાં ફેરફાર કરવામાં નથી આવ્યો. અગાઉ હોસ્પિટલમાં દાખલ કરવાનો અને હોમ આઈસોલેશનનો દર ૧:૫ હતો, પરંતુ હવે તે ૧:૧ અથવા ૧:૨ થઈ શકે છે. દર્દીઓમાં જોવા મળતા સામાન્યથી ગંભીર લક્ષણોને આ માટે જવાબદાર ઠેરવી શકાય.

(10:21 am IST)