Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

રિક્ષા ચાલકોએ મોટર વ્હીકલ એકટના કાયદાની જોગવાઇઓએ પડકારી

રિક્ષાચાલકો સાથે વ્યવસાયિક ભેદભાવ કરવાના મામલે હાઇકોર્ટમાં રિટ

અમદાવાદ,તા. ૨: જાગૃત ઓટોરિક્ષા ડ્રાઈવર્સ યુનિયન દ્વારા ઓટો રિક્ષાચાલકો સાથે કરવામાં આવતા વ્યવસાયિક ભેદભાવ બાબતે રજૂઆત કરીને મોટર વ્હીકલ એકટ અને ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સના કાયદા અને નીતિ નિયમોને એક રિટ મારફતે હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યા છે. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાય એવી શકયતા છે.

આ અરજીમાં એ મુજબની રજૂઆત કરવામાં આવી છે  કે,'ભાડા નક્કી કરવાનો કાયદો, અંતર માપવા માટે અલયાદુ  મીટર લગાવવું, ફકત પીળા અને લીલા કલરની જ ઓટો રિક્ષા  ખરીદવી અને એક જિલ્લા પૂરતી જ ઓટો રિક્ષાચાલકોને પરમિટ  આપવાની નીતિ એ રિક્ષાવાળાઓ સામે વ્યાવસાયિક ભેદભાવ  છે. આ કાયદા અને નીતિ નિયમોને રદ કરવાની માંગ કરવામાં આવી છે. ગુજરાત રાજય સહિત અમદાવાદ જિલ્લાની અંદર  મુસાફર ઓટોરિક્ષાની કુલ સંખ્યા વાહનોની સંખ્યાની અંદર ફકત છ ટકા જેટલી હોવા છતાં ઓટોરિક્ષાચાલકોને ટ્રાફિકના દૂષણ બાબતે જવાબદાર ગણવામાં આવે છે. જયારે કે બી.આર.ટી.એસ., એસ. ટી., કોર્પોરેશનની બસો દ્વારા પરવાનગી કરતાં  વધારે મુસાફરો બેસાડવા અને ટ્રાફિકમાં અડચણ થવા બાબતે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.'

વધુમાં એવી રજૂઆત ડરવામાં આવી છે કે,'ગુજરાત મોટર વ્હીકલ્સ રૂલ્સના કાયદા મુજબ પણ ઓટોરિક્ષા જ એક એવા પ્રકારનું વાહન છે જેનો રંગ સરકાર નક્કી કરે છે. અને કોઈપણ મુસાફર માટેની ઓટોરિક્ષાને તે રંગ સિવાય બીજા રંગનું વાહન ખરીદી શકતો નથી. જયારે કે અન્ય પ્રકારના પરમિટવાળા વાહનોના માલિકોને તેઓ કયા પ્રકારના રંગનું વાહન ખરીદવું છે તેમની છૂટછાટ આપવામાં આવી છે. પરમિટમાં વિસ્તારની બાબતમાં પણ ઓટોરિક્ષા અને ફકત એક જ જિલ્લાનું પરમિટ આપવામાં આવે છે જયારે કે અન્ય પ્રકારના પરમિટવાળા વાહનોને રાજય અને દેશનું પરમિટ આપવામાં આવતું હોય છે. જયારે ઓટોરિક્ષાવાળા જયારે આખા રાજય કે દેશના પરમિટની વાત કરે તો તેને આપવામાં આવતું નથી. આ બાબત પણ એક આ રીતે ભારતીય બંધારણ આર્ટિકલ નંબર ૧૪,૧૫ અને ૧૯નું ઉલ્લંઘન છે. તેથી આ પ્રકારે ઓટો રિક્ષાચાલકો સાથે કરવામાં આવતા ભેદભાવ બંધ કરીને મોટર વ્હીકલ ફકત ઓટોરિક્ષાને પળાવવામાં આવતા કાયદા અને નીતિ નિયમોને રદ કરવામાં આવે.

(10:21 am IST)