Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

બિનખેતીની સતા જિલ્લા પંચાયતોને પાછી નહિ જ મળે

સોશ્યલ મીડિયામાં ફરતી વાતમાં તથ્ય નહિ : ભ્રષ્ટાચાર સામેની લડતમાં વિજયભાઇ મક્કમ

રાજકોટ તા. ર :.. તાલુકા - જિલ્લા પંચાયતોને બિનખેતીની સતા પરત મળવાના સોશ્યલ મીડિયાના અહેવાલમાં કંઇ દમ નથી. સરકાર પંચાયતોને આવી કોઇ સત્તા પરત આપવા માંગતી ન હોવાનું મુખ્યમંત્રી વિજયભાઇએ ચૂંટણી પહેલા સ્પષ્ટ કહેલ. અત્યારે પણ તેનો પુનર્રાચ્ચાર કર્યો છે. બિનખેતી માટે હાલ કલેકટર હસ્તક રહેલ ઓનલાઇન પધ્ધતિ જ ચાલુ રહેશે. ભૂતકાળમાં બિનખેતીની સત્તા પંચાયતની કારોબારી હસ્તક હતી. તે વખતે બિનખેતીનો ભ્રષ્ટાચાર ચર્ચાના ચકડોળે હતો. વિજયભાઇ રૂપાણીએ એક જ ઝાટકે બિનખેતીની સત્તા તાલુકા - જિલ્લા પંચાયત પાસેથી લઇને ભ્રષ્ટાચાર પર પ્રહાર કરેલ. તે વખતે મોટાભાગની તાલુકા - જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસનું શાસન હતું. આ વખતે તમામ ૩૧ જિલ્લા પંચાયતોમાં અને મોટાભાગની તાલુકા પંચાયતોમાં ભાજપનું રાજ આવ્યુ છે. સતા પરિવર્તન પછી પણ બિનખેતીની સત્તા બાબતે મુખ્યમંત્રી કોઇ પરિવર્તન કરવા માંગતા નથી. બિનખેતીની સત્તા પંચાયતોને અપાશે નહી તેવુ તેમનું સ્પષ્ટ કહેવુ છે.

(11:42 am IST)