Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

આ નવો કોરોના વાયરસ સ્‍ટ્રેન અગાઉ હતો એના કરતા પણ ખૂબ વધારે ચેપી છેઃ સુરતના મ્‍યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ લોકોને ચેતવ્‍યા

સુરત: હાલના આંકડા મુજબ, કોરોનાનો સૌથી વધુ કહેર સુરતમાં છે. અમદાવાદ કરતા પણ વડોદરામાં કોરોનાના કેસ વધુ છે. ત્યારે સુરતમાં સતત વધી રહેલા કોરોના કેસને લઈ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નાગરિકોને ખાસ મેસેજ આપવામાં આવ્યો છે. સુરતના કમિશનર બંછાનિધિ પાનીએ લોકોને ચેતવ્યા કે, આ નવો વાયરસ સ્ટ્રેન ખૂબ વધારે ચેપી છે, અગાઉનો હતો એના કરતાં પણ વધારે ચેપી છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણીએ જણાવ્યું કે, આ નવો વાયરસ સ્ટ્રેન ખૂબ વધારે ચેપી છે, અગાઉનો હતો એના કરતાં પણ વધારે ચેપી છે. મલ્ટીફિકેશન હોવાથી વાયરસ અત્યારે ઝડપથી ફેફસાની અંદર પ્રવેશી શકે છે અને ન્યુમોનિયા કરી શકે છે. દર્દીને કફ અને ફીવરના લક્ષણ ન દેખાય તો પણ પોઝિટિવ થતા હોય છે. રેપિટ ટેસ્ટમાં નેગેટિવમાં પણ આવી શકે છે, પરંતુ દર્દી પોઝિટિવ હોઈ શકે છે. નવા સ્ટ્રેન વાયરસમાં સાંધાના દુખાવો, વિકનેસ અને ખાવામાં ઇચ્છા ન હોવા જેવા લક્ષણો છે. અગાઉ પાંચથી સાત દિવસમાં ન્યુમોનિયા થતા હતા, પરંતુ હવે ઓછા સમયમાં ન્યુમોનિયા થઇ રહ્યો છે.

સુરત શહેરમાં મ્યુનિસિપલ કમિશનરે તમામ સોસાયટીના લોકોને ક્લબ બંધ રાખવા અપીલ કરી છે. સાથે જ જેટલું શક્ય હોય તેટલું વર્ક ફ્રોમ હોમ કરવા સૂચના આપી છે. અગત્યનું કામ ના હોય તો ઘરેથી ન નીકળવા લોકોને અપીલ કરાઈ છે. સાથે જ તેમણે કહ્યું કે, બાળકો અને વડીલોમાં ચેપ ન લાગે આ માટે ખાસ તકેદારી રાખવામાં આવે. જેટલું શક્ય હોય તેટલું વડીલો અને બાળકોને ઘરમાં રાખો. વેક્સિનથી હોસ્પિટલાઈઝ થવાનું જોખમ ઓછું થાય છે. તેથી વેક્સીનેશન ખાસ કરાવો.

સુરતમાં આજે ઉધના ચાર રસ્તા પાસે આવેલ રિલાયન્સ મોલમાં ચાલી રહેલા આઈનોક્સ થિયેટરને બંધ કરાવાયું છે. મોલમાં ત્રણ સ્ક્રીન પર ફિલ્મો ચાલી રહી હતી. કોરોના વધતા પણ થિયેટરના સંચાલકો સુધરતા નથી. ત્યારે મનપા દ્વારા આખરી ચેતવણી આપવામાં આવી કે, હવે થિયેટર ચાલુ દેખાશે તો સીલ કરવામાં આવશે.

સુરતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે સિવિલ સ્મીમેરમાં વધુ બે માળ પર બેડ ગોઠવાયા છે. જેના માટે 200 વેન્ટિલેટરની માંગણી કરવામાં આવી છે. નવી સિવિલની કોવિડ હોસ્પિટલના તમામ 10 માળ પર દર્દીઓની સારવાર શરૂ કરવામા આવી છે.

(5:02 pm IST)