Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોના મહામારી વચ્‍ચે કેરી પણ મોંઘી બને તેવી શક્‍યતાઃ અંકલેશ્વર તાલુકામાં પાક ઓછો રહેવાની ખેડૂતોની ધારણાઃ કેરીના પાકનો મુદ્દો વિધાનસભાં ગાજ્‍યો

અમદાવાદ: એક તરફ ગીરની કેસરનું માર્કેટમાં આગમન થયું છે. ત્યાં બીજી તરફ, દક્ષિણ ગુજરાતની કેરીઓનો સ્વાદ લોકોને વહેલો ચાખવા નહિ મળે તેવું લાગી રહ્યું છે. અંકલેશ્વર તાલુકામાં કેરીનો પાક ઓછો રહેવાની ખેડૂતોને ધારણા છે. તેથી કોરોના મહામારી વચ્ચે કેરી પણ મોંઘી બને તેવી શક્યતા છે. તો બીજી તરફ કેરીના પાકનો મુદ્દો વિધાનસભા ગૃહમાં પણ ગાજ્યો હતો.

આ વર્ષે કેસર કેરીનો પાક 80 ટકા નિષ્ફળ ગયો છે. વાતાવરણમાં થયેલા ફેરફારની અસર કેસર કેરી પર થઈ છે. બાગાયતી પાકોને પાક વીમામાં સમાવવા જોઈએ તેવી માંગ વિધાનસભા ગૃહમાં બજેટ સત્ર દરમિયાન ઉઠી હતી. ભગા બારડે ગૃહમાં વિધેયક પર ચર્ચા દરમિયાન સરકારને રજૂઆત કરી કે, કેસર કેરીને નુકશાન જતા ખેડૂતોને સહાય જાહેર કરવી જોઈએ.

ગીરની સાથે દક્ષિણ ગુજરાતની કેરી પણ પ્રખ્યાત છે. પરંતુ ચાલુ વર્ષે સ્થિતિ અલગ છે. દર વર્ષની સરખામણીએ આ વર્ષે શરૂઆતમાં કેરી પર ફાળ તો સારો આવ્યો, પરંતુ બાદમાં ધીરે ધીરે ફાળ ખરી પડ્યાહ તા. જેથી હવે ખેડૂતોને ધાર્યા મુજબ કેરીનો પાક નહિ મળી શકે. ગીરની સાથે દક્ષિણ ગુજરાતની કેરીઓની પણ ગુજરાતમાં બોલબાલા છે. ત્યારે હવે કેરીનો ભાવ વધુ રહેશે તેવી શક્યતા દેખાઈ રહી છે.

હાલ ફળોના રાજા કેરીનું અમદાવાદના ફ્રુટ બજારોમાં આગમન થયું છે. રત્નાગીરીની હાફૂસ કેરી, ચેન્નઈની સુંદરી કેરીનું મોટા જથ્થામાં ગુજરાતના બજારોમાં આગમન થયું છે. સોરાષ્ટ્રની કેસર કેરીની પણ આવક શરૂ થઈ છે. હાફૂસ 800, 1000 અને 1200 રૂપિયા ડઝનના ભાવે વેચાઈ રહ્યાં છે. તો 9 કિલો કેસર કેરીની પેટીનો ભાવ 1500 રૂપિયા છે. જોકે, કેરીની મીઠાશ મેળવવા નાગરિકોને વધુ રૂપિયા ખર્ચવા પડશે. હાલના સમયમાં આવક ઓછી હોવાના લીધે કેરીના ભાવ આસમાને પહોંચ્યા છે. થોડી આવક વધશે તો પણ કેરી મોંઘી જ રહેશે. વલસાડ, સોરાષ્ટ્ર, બેંગલુરુની કેરીઓનો જથ્થો આવશે તો જ કેરીના ભાવ ઘટશે.

(5:08 pm IST)