Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોના સંક્રમણમાં સતત વધારોઃ સુરતમાં વેક્‍સીન લીધી છતાં 236 લોકોનો રિપોર્ટ પોઝીટીવઃ વડોદરાના 2 નવજાત બાળકો પણ સંક્રમીત

સુરત: ગુજરાતમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. ગુજરાતમાં દર કલાકે 100 લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 2410 કેસ નોંધાયા છે. ત્યાં બીજી તરફ, મોરવા હડફ વિધાનસભા પેટાચૂંટણીના પ્રચારના આજથી શ્રીગણેશ થશે. એક તરફ વેક્સીનેશન પૂરજોશમાં ચાલી રહ્યું છે, તો બીજી તરફ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સુરતમાં 8959 પોઝિટિવ આવનારાઓમાંથી વેક્સીન લેનારા 236 લોકો છે. વેકસીનનો એક ડોઝ લીધા છતાં 230 લોકો કોરોના સંક્રમિત થયા છે. તો બે ડોઝ પછી 6 લોકો સંક્રમિત થયા છે. તેથી સુરતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ટેસ્ટ ફરજિયાત કરી દેવાયો છે.

તો બીજી તરફ, અમદાવાદની એસ.એસ.જી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગ માં 8 બાળકો કોરોના પોઝિટિવ આવતા હળભળાટ મચી ગયો છે. જે બતાવી રહ્યું છે કે, હવે બાળકોમાં પણ કોરોનાના લક્ષણો દેખાવાનું શરૂ થઈ ગયું છે. પીડિયાટ્રિક વોર્ડમાં છેલ્લા એક અઠવાડિયામાં રોજના 5 થી 6 બાળકો સારવાર માટે આવી રહ્યાં છે. આથી હવે પીડિયાટ્રિક વોર્ડમાં બાળકોની સારવાર માટે નવુ એનકોઝર ઉભુ કરાયું છે. આઈસોલેશન ફેસિલિટી ઉભી કરાઈ છે. તો બીજી તરફ, શહેરની અન્ય ખાનગી હોસ્પિટલમાં પણ 25 જેટલા બાળકો કોરોના પોઝિટિવ આવ્યા છે. બાળકોમાં કોરોના પોઝિટિવના લક્ષણો આવતા નવી સમસ્યાના મંડાણ દેખાઈ રહ્યાં છે.

નવજાત બાળકો પણ કોરોના સંક્રમિત થયા

વડોદરાની સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના વડા ડો. શિલાબેન ઐયરે જણાવ્યું હતું કે, પરિવારના સદસ્યોને પગલે હવે બાળકોને પણ કોરોનાને ચેપ લાગી રહ્યો છે. રોજના પાંચથી છ બાળકો કોરોના સંક્રમિત આવલી રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન 15 દિવસના નવજાત જોડિયા બાળકો પણ કોરોના સંક્રમિત થતાં તેઓને સારવાર આપવામાં આવી રહી છે. જેઓની હાલત હાલ સુધારા ઉપર છે.

જો તમે અથવા તો તમારા સગા-સંબંધીઓ બીજા રાજ્યમાંથી એપ્રિલ મહિનામાં ગુજરાતમાં આવી રહ્યા છો. તો તમારા માટે આ સમાચાર જાણવા અત્યંત જરૂરી છે. કેમ કે અન્ય રાજ્યથી ગુજરાતમાં આવનારા તમામ વ્યક્તિ માટે 1 એપ્રિલથી RT-PCR ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. તેમાં પણ શરત એ છે કે ગુજરાતમાં પ્રવેશના છેલ્લા 72 કલાકમાં RT-PCR ટેસ્ટ કરાવેલો હોવો જોઈએ અને તે નેગેટિવ હોવો જરૂરી છે. નહીં તો ગુજરાતમાં પ્રવેશ મળશે નહીં. તેના માટે ગુજરાતમાં આવનારા તમામ પ્રવાસીઓનું બોર્ડર પર પહેલા સ્ક્રિનિંગ થશે અને પછી જ પ્રવેશ મળશે.

અમદાવાદના કાલુપુર રેલેવે સ્ટેશન પર તપાસ  હાથ ધરવામાં આવી છે. બહારથી આવતા પ્રવાસીઓના રિપોર્ટની તપાસ કરવામાં આવી રહી છે.જેમાં RT-PCR રિપોર્ટ હશે તો જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો. મહત્વનું છે આજથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. પરંતુ અમદાવાદના કાલુપુર રેલેવે સ્ટેશન પર કોઈ જ પ્રકારીની તપાસ કરવામાં નહોંતી આવી રહી. પ્રવાસીઓ બેરોકટોક અવર-જવર કરી રહ્યા હતા.

સુરતમાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. સૌથી મોટા ટેક્સટાઈલ માર્કેટ અને ડાયમંડ માર્કેટમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ કામ કરે છે અને લોકોની અવરજવર રહે છે ત્યારે કોરોનાનું સંક્રમણ વધે તેવી શક્યતા વધી જાય છે. સુરત મહાનગરપાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. દર અઠવાડિયે ટેક્સટાઈલ અને ડાયમંડ માર્કેટના કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

(5:08 pm IST)