Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

અમદાવાદમાં કોરોના હવે બાળકોમાં પણ ફેલાવા લાગ્‍યોઃ સિવિલ હોસ્‍પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવો પડયોઃ માતા-પિતા-તબીબોમાં ચિંતા વધીઃ સગર્ભા મહિલાઓએ સાવચેત રહેવુ પડશે

અમદાવાદ: ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઈરસના સંક્રમણથી હવે બાળકો પણ બાકાત નથી રહ્યાં. વડોદરા બાદ અમદાવાદમાં પણ બાળકો ઝડપથી કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. જેને પગલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અલગ વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરની સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકો કોરોનાથી સંક્રમિત હોવાથી દાખલ કરવામાં આવ્યા છે. બાળકોમાં વધતા જતાં સંક્રમણે તબીબો સહિત માતા-પિતાની ચિંતા પણ વધારી દીધી છે.

બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને સંક્રમિતોની સારવાર માટે અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો ચે. આ સિવાય પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તબીબોનું કહેવું છે કે, કોરોનાના નવા સ્ટ્રેઈનથી સગર્ભા મહિલાઓએ સાવચેત રહેવું પડશે.

તાજેતરમાં વડોદરાની એક હોસ્પિટલમાં જોડિયા બાળકો કોરોનાથી સંક્રમિત મળી આવ્યા હતા. 15 દિવસ પહેલા જ જન્મેલા આ બન્ને બાળકોને વડોદરાની SSG હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. બન્ને બાળકોને ઝાડા અને ડિહાઈડ્રેશનની સમસ્યા હતા.

SSG હોસ્પિટલના પીડિયાટ્રિક્સ વિભાગના ડૉ શીલ ઐય્યરના જણાવ્યા મુજબ, હાલ નવજાત બાળકોની તબિયત સ્થિત છે અને તેમની સારવાર ચાલી રહી છે. હૉસ્પિટલમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા બાદ તેમને ઝાડા સહિત સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થઈ હતી. જે બાદ તેમને ફરીથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં તપાસ દરમિયાન તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. બાળકોના માતા-પિતા પણ કોરોનાથી સંક્રમિત છે અને તેમની પણ સારવાર ચાલી રહી છે.

(5:11 pm IST)