Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

અમદાવાદના ગોતા વિસતારની આઇસીસી ફલોરા સોસાયટીમાં કોરોના કેસનો રાફડો ફાટયોઃ 36 મકાનમાં 140 લોકો પોઝીટીવ આવતા 36 મકાન માઇક્રો કન્‍ટેઇનમેન્‍ટ ઝોનમાં

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના સંકટ દિવસેને દિવસે ઘેરું બની રહ્યું છે. મહાનગરોમાં સુરત અને અમદાવાદની સ્થિતિ વધુ ચિંતાજનક છે, ત્યારે શહેરની એક સોસાયટીમાં એકસાથે 36 મકાનમાં કોરોનાના કેસ નોંધાતા હડકંપ મચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહરેના ગોતા વિસ્તારમાં આવેલ ICB ફ્લોરા સોસાયટીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ICB ફ્લોરામાં 36 મકાન માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં છે.

એક જ સોસાયટીના 140 જેટલા લોકો કોરોના પોઝિટિવ

આ સોસાયટીમાં 36 મકાનના 140 જેટલા નાગરિકોને કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કે, આ પહેલા પણ ICB ફ્લોરા કન્ટેઇનમેન્ટ ઝોનમાં આવી ચૂક્યું છે.

શહેરમાં કોરોના બેકાબૂ બન્યો

શહેરમાં 19 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરાયા  છે. ગોતા, જોધપુર, બોડકદેવ માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં છે. શહેરમાં કુલ 276 માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન છે ત્યારે હવે AMCની હેલ્થ ટીમ ડોર ટુ ડોર સર્વેલન્સ-સ્કિનિંગની કામગીરી હાથ ધરશે.

અમદાવાદમાં બાળકોમાં કોરોનાનુ સંક્રમણ વધ્યુ

સિવિલ હોસ્પિટલમાં 11 વર્ષથી નીચેના 6 બાળકોને કોરોના પોઝિટિવ છે. બાળકોને કોરોના વધતા ડોકટરો અને માતા-પિતામા ચિંતા વધી છે. કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે અલગ વોર્ડ બનાવાયો છે. પોઝિટિવ માતા અને બાળકો માટે અલગ વ્યવસ્થા કરાઈ છે. ડો રજનિશ પટેલ જણાવ્યું હતુ કે, સગર્ભા મહિલાઓએ હવે સાવચેત રેહવું પડશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ નો આંકડો 540 પર પહોંચ્યો છે.

ગુરૂવારે રાજ્યમાં 2410 નવા કેસ નોંધાયા

રાજ્યમાં કાળ બનેલા કોરોનાના રોજબરોજ કેસમાં વધારો થઈ રહ્યો છે. આજના દિવસે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,410 કેસ નોંધાયા છે. તેની સામે 2,015 દર્દીઓને છેલ્લા 24 કલાકમાં ડિસ્ચાર્જ પણ કરાયા છે. તો રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 9 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. આ સાથે 155 દર્દીઓની હાલત ગંભીર છે. જ્યારે રાજ્યમાં કુલ 12,996 એક્ટિવ કેસ છે. અત્યાર સુધી રાજ્યમાં કુલ 4,528 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 2,92,584 લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે.

રાજ્યમાં રસીકરણના આંકડા

સરકાર દ્વારા રાજ્યમાં રસીકરણની કામગીરી પણ વધારવામાં આવી છે. જેમાં 53,68,002 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અપાયો છે. તો 6,97,680 લોકોને વેક્સિનનો બીજો ડોઝ અપાયો છે. જ્યારે કુલ 60,65,682 વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.

(5:12 pm IST)