Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

હિંમતનગર તાલુકાના પુનાસણ ગામના યુવાનને નોકરી માટે સિંગાપુર મોકલવાનું કહી હિંમતનગરના શખ્સે 3.50 લાખની છેતરપિંડી આચરતા ગુનો દાખલ

હિંમતનગર:તાલુકાના પુનાસણ ગામના એક યુવાનને દોઢ વર્ષ અગાઉ નોકરી માટે સીંગાપુર મોકલવાનું કહીને તેની પાસેથી હિંમતનગરના એક શખ્સે અંદાજે રૂ ૩.૫૦ લાખ લઈ લીધાબાદ તેને ઈન્ડોનેશીયા મોકલી દીધો હતો. જેથી ત્યાથી પરત આવેલા પુનાસણના આ યુવાને હિંમતનગરના શખ્સ વિરૃધ્ધ બુધવારે હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને ઠગાઈની ફરીયાદ નોધાવી હતી.

પુનાસણ ગામના ઉમંગ સુરેશભાઈ પટેલે નોધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ હિંમતનગરના ટાવરરોડ પર આવેલા એક મોલમાં ઓફીસ ધરાવતા દક્ષેશગીરી કૈલાશગીરી ગોસ્વામીએ વર્ષ ૨૦૧૯ ના સાતમાં મહિનાની ૧૨ તારીખે ઉમંગ પટેલને સીંગાપુર ખાતે નોકરી પર મોકલી આપવાની વાત કરી હતી. ત્યારબાદ દક્ષેશગીરીએ ઉમંગ પટેલ પાસેથી ખર્ચ અને ફી પેટે રૂ ૩.૫૦ લાખ લઈ લીધા હતાં. ત્યારબાદ દક્ષેશગીરીએ ઉમંગ પટેલને સીંગાપુરને બદલે ઈન્ડોનેશીયા મોકલી દીધા હતાં.

ત્યારબાદ અગમ્ય કારણોસર ઉમંગ પટેલ ઈન્ડોનેશીયાથી પરત આવી ગયા હતાં. અને દક્ષેશગીરી ગોસ્વામી પાસેથી પોતે આપેલા રૂ ૩.૫૦ લાખ પરત માંગ્યા હતાં. જેથી દક્ષેશગીરીએ ઉમંગ પટેલને જાનથી મારી નાખવાની ધમકી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી હતી. જેથી કંટાળીને ઉમંગ પટેલે દક્ષેશગીરી ગોસ્વામી વિરૃધ્ધ બુધવારે હિંમતનગર બીડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

(5:38 pm IST)