Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

કોરોનાનો કહેર વધતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય : એપ્રિલ મહિનામાં તમામ આરોગ્ય કર્મીઓની રજા રદ

1 એપ્રિલથી શરુ થયેલા 45 વર્ષથી વધુ ઉંમરના 1.2 કરોડથી વધુ લોકોને રસી આપવાનો ટાર્ગેટ

અમદાવાદ : રાજ્યમાં દરરોજ કોરોનાના 2400થી વધુ પોઝિટિવ કેસ સામે આવતા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડી એપ્રિલ મહિનામાં તમામ આરોગ્ય કર્મીઓની રજાને રદ કરી દીધી છે. તમામ જિલ્લા અને કોર્પોરેશન આરોગ્ય વિભાગને આ પરિપત્ર પાઠવી દેવામાં આવ્યો છે. 1 એપ્રિલથી શરુ થયેલા 45 વર્ષથી વધુ ઉંમરના 1.2 કરોડથી વધુ લોકોને રસી આપવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા વેક્સીનેશન પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પરિપત્ર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના પરિપત્ર બાદ રાજ્યના હેલ્થ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી તમામ આરોગ્ય કર્મચારીઓની એપ્રિલ મહિનાની રજાને કેન્સલ કરી દેવામાં આવી છે. એપ્રિલમાં કોઇ પણ આરોગ્ય કર્મચારીઓને રજા નહી મળે. રવિવારની રજા હોય કે બીજી કોઇ રજા હોય તમામ રજાને આ મહિના માટે રદ કરવામાં આવી છે.

 ગુજરાત સહિત સમગ્ર દેશમાં 16 જાન્યુઆરીથી વેક્સિનેશન ઝુંબેશ ચાલી રહી છે ત્યારે વધતા જાતે કોરોના સંક્રમણ વચ્ચે રસીકરણ પણ વેગ પકડી રહ્યું છે. સરકાર તરફથી કોરોનાની રસી લેવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ગુરૂવારે 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિનેશનની શરૂઆત કરવા સાથે એક જ દિવસમાં 4.54 લાખથી વધુ લોકોએ રસી મુકાવી હતી. જેમાંથી પ્રથમ ડોઝ તરીકે 3,69,262 સિનિયર સિટીઝન અને 45 વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ગ્રસ્ત લોકોએ વૅક્સીન લીધી હતી. જેમાંથી બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા 28,635 છે.

અત્યાર સુધીમાં 53,68,002 લોકો કોરોના વિરોધી રસની પ્રથમ ડોઝ લઈ ચૂક્યા છે. જ્યારે 6,97,680 લોકો વૅક્સિનનો બીજો ડોઝ લઈ ચૂક્યા છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા વૅક્સિનેશન અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યમાં 60,65,682 લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી ચૂકી છે

(7:51 pm IST)