Gujarati News

Gujarati News

News of Sunday, 2nd April 2023

ગેરકાયદેસર અમેરિકા-કેનેડા જનારા માટે ચેતવણી સમાન કિસ્સો

ગેરકાયદેસર કેનેડા ગયેલી યુવતીને પાંચ વર્ષે ડિપોર્ટ કરાઈ

પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ્સ ફેક હોવાનું બહાર આવતા શર્મિષ્ઠા પટેલને તાત્કાલિક ઈન્ડિયા ડિપોર્ટ કરી દેવાઈ

અમદાવાદ, તા.૧: એજન્ટો અજીબોગરીબ તરકીબો લગાવીને પોતાના ક્લાયન્ટને અમેરિકા કે પછી કેનેડા જેવા દેશોમાં મોકલી દેતા હોય છે. આમ તો આ બધું વર્ષોથી ચાલ્યું આવે છે, પરંતુ તાજેતરમાં જ આવી જ રીતે કેનેડા પહોંચી ગયેલી અમદાવાદની એક યુવતી છેક પાંચ વર્ષે પકડાઈ જતાં તેને ડિપોર્ટ કરવામાં આવી છે. આ યુવતી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા મનમોહન પાર્કમાં રહેતી હતી, અને તેનું નામ શર્મિષ્ઠા પટેલ છે. ૩૪ વર્ષની શર્મિષ્ઠા ૨૦૧૯માં દિલ્હી એરપોર્ટ પરથી સીધી ટોરેન્ટોની ફ્લાઈટ પર કેનેડા પહોંચી ગઈ હતી. શર્મિષ્ઠા કઈ રીતે કેનેડા ગઈ હતી તેનો કોઈનેય ખ્યાલ નહોતો, પરંતુ તાજેતરમાં જ કેનેડાની પોલીસે તેને પકડી હતી, અને તેની પાસેના પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ્સ ફેક હોવાનું બહાર આવતા તેને તાત્કાલિક ઈન્ડિયા ડિપોર્ટ કરી દેવાઈ હતી. ડિપોર્ટેશન બાદ શર્મિષ્ઠાને ટોરેન્ટોથી દિલ્હીની ફ્લાઈટમાં બેસાડી દેવામાં આવી હતી, તે દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થઈ તે સાથે જ તેની ધરપકડ કરી લેવાઈ હતી. જોકે, ઈમિગ્રેશનના અધિકારીઓએ તેના ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ ચકાસ્યા ત્યારે તે કેનેડા કઈ રીતે પહોંચી તેની કોઈ લિંક નહોતી મળી રહી. આખરે તેની કડક પૂછપરછ કરવામાં આવતા ખુદ શર્મિષ્ઠાએ જ પોતે ૨૦૧૯માં કઈ રીતે દિલ્હીથી કેનેડા પહોંચી હતી તેનો ઘટસ્ફોટ કર્યો હતો.

શર્મિષ્ઠાએ જણાવ્યું હતું કે, ૨૦૧૯માં એજન્ટે તેને દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટની ટિકિટ બુક કરાવીને એરપોર્ટ મોકલી હતી. તેની ફ્લાઈટ દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ટેક-ઓફ થવાની હતી. જોકે, એજન્ટના પ્લાન અનુસાર શર્મિષ્ઠાને મુંબઈ જતી ફ્લાઈટ તો પકડવાની જ નહોતી. તેની ટિકિટ પર તો તેને માત્ર ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલમાં એન્ટર જ થવાનું હતું.

શર્મિષ્ઠા એરપોર્ટ પર પહોંચી ત્યારે તેને એજન્ટે મોકલેલી એક મહિલા મળી હતી, જેણે તેને કેનેડાના વિઝા સ્ટેમ્પ લાગેલો પાસપોર્ટ તેમજ ટોરેન્ટો જતી ફ્લાઈટની ટિકિટ અને બોર્ડિંગ પાસ આપી દીધા હતા. આ મહિલાને શર્મિષ્ઠાએ પોતાનો પાસપોર્ટ તેમજ મુંબઈની ફ્લાઈટનો બોર્ડિંગ પાસ આપી દીધો હતો. આમ, પાસપોર્ટ અને બોર્ડિંગ પાસની અદલાબદલી બાદ શર્મિષ્ઠા ટોરેન્ટોની ફ્લાઈટ પકડીને કેનેડા જવા રવાના થઈ ગઈ હતી, જ્યારે તેણે જે મહિલાને પોતાનો પાસપોર્ટ અને બોર્ડિંગ પાસ આપ્યા હતા તે મુંબઈ નીકળી ગઈ હતી.

૨૦૧૯માં કેનેડા ગયેલી શર્મિષ્ઠા ત્યાં જ રહેતી હતી, પરંતુ એક દિવસ તે ત્યાંની સ્થાનિક પોલીસની નજરમાં આવી ગઈ હતી. કેનેડાની પોલીસે શર્મિષ્ઠાના પાસપોર્ટ સહિતના ડોક્યુમેન્ટ્સ જોવા માગતા જ તેનો ભાંડો ફુટી ગયો હતો અને આખરે તેને ઈન્ડિયા પાછા આવવાનો વારો આવ્યો હતો.

કેનેડાથી પરત ફરેલી શર્મિષ્ઠા પટેલ દિલ્હી લેન્ડ થઈ તે સાથે જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેની સામે ૨૨ માર્ચે દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં તેના પર ઠગાઈ ઉપરાંત પોતાને કેનેડા મોકલનારા એજન્ટની માહિતી છૂપાવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

તપાસમાં પોલીસને એવું પણ જાણવા મળ્યું છે કે શર્મિષ્ઠા કેનેડાથી ગમે તેમ કરીને અમેરિકા પહોંચવાની ફિરાકમાં હતી, પરંતુ તે કેનેડાની બોર્ડર ક્રોસ કરે તે પહેલા જ પકડાઈ ગઈ હતી. અગાઉ આવી જ એક ઘટનામાં અમદાવાદનું એક વૃદ્ધ કપલ પોતાની કેનેડાની ફ્લાઈટનો બોર્ડિંગ પાસ અન્ય બે લોકો સાથે એક્સચેન્જ કરાવતા પકડાઈ ગયું હતું. આ વૃદ્ધ દંપતીને એજન્ટોએ આ કામ બદલ ૪ લાખ રૂપિયા આપ્યા હોવાનું બહાર આવ્યું હતું.

પોલીસ સૂત્રોનું માનીએ તો એજન્ટો દિલ્હી એરપોર્ટ પર એવા માણસોની ગોઠવણ કરે છે કે જેમની પાસે મોટાભાગે કેનેડાના વિઝા હોય. આવા લોકો ફ્લાઈટની ટિકિટ બુક કરાવી તેનો બોર્ડિંગ પાસ મેળવ્યા બાદ એજન્ટના કહ્યા અનુસાર દિલ્હી એરપોર્ટ પર તેમના ક્લાયન્ટને પોતાનો બોર્ડિંગ પાસ આપી દેતા હોય છે. આ અદલાબદલી થયા બાદ તેમને ત્યાંથી સલામત રીતે કાઢવાની વ્યવસ્થા પણ એજન્ટોએ કરી રાખી હોય છે. આવા લોકોને મોટાભાગે બીજી કોઈ ઈન્ટરનેશનલ ફ્લાઈટના બોર્ડિંગ પાસ આપવામાં આવતા હતા, પરંતુ શર્મિષ્ઠાના કેસમાં તેને જે મહિલાનો પાસપોર્ટ આપવામાં આવ્યો હતો તેને દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઈટની ટિકિટ આપી દેવાઈ હતી.

(12:18 am IST)