Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ધોલેરા સત્‍યાગ્રહ - ‘સિંધુડો'ની ૯૨મી જયંતી અવસરે ‘શૌર્યભૂમિ' ધોલેરા ખાતે કલાત્‍મક તકતીનું અનાવરણ

ગુજરાત રાજયના પૂર્વ મંત્રી અને ધોળકાના ધારાસભ્‍ય ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમા, ધંધુકાના પૂર્વ ધારાસભ્‍ય ભરતભાઈ પંડ્‍યા, ગુજરાત રાજયના નિવૃત્ત મુખ્‍ય સચિવ પ્રવીણભાઈ કે. લહેરી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણીની વિશેષ ઉપસ્‍થિતિ : ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ દ્વારા ‘સિંધુડો'નાં શૌર્યગીતો થકી સ્‍વરાંજલિ

રાજકોટ : ધોલેરા સત્‍યાગ્રહ -સિંધુડોની ૯૨મી જયંતી અવસરે શૌર્યભૂમિ ધોલેરા સ્‍થિત ઐતિહાસિક ગાંધી ચોક ખાતે બે કલાત્‍મક તકતીનું અનાવરણ કરવામાં આવ્‍યું. આઝાદી કા અમૃત મહોત્‍સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્‍મજયંતી વર્ષ અંતર્ગત મહાત્‍મા ગાંધી અને ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્ર, હસ્‍તાક્ષર, ઈતિહાસને આલેખતી બે તકતીની સ્‍થાપના કરવામાં આવી છે.  

ગુજરાત રાજયના પૂર્વ મંત્રી, ધોળકાના ધારાસભ્‍ય અને ધોલેરાના મૂળ વતની ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમા, ધંધુકાના પૂર્વ ધારાસભ્‍ય અને ધોલેરાના મૂળ વતની ભરતભાઈ પંડ્‍યા, ગુજરાત રાજયના નિવૃત્ત મુખ્‍ય સચિવ અને સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પ્રવીણભાઈ કનુભાઈ લહેરી (આઈએએસ), ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડ, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક ડો. અનામિકભાઈ કાંતિભાઈ શાહ, સહકારી ક્ષેત્રના પીઢ આગેવાન ધીરૂભાઈ ધાબલીયા, અમેરિકા સ્‍થિત વૈજ્ઞાનિક ડો. અક્ષયભાઈ વજુભાઈ શાહ, સંશોધક-લેખક-પત્રકાર રાજુલભાઈ ઈશ્વરભાઈ દવે, જિલ્લા શિક્ષાધિકારી રાકેશભાઈ વ્‍યાસ, અગ્રણીઓ પ્રદ્યુમનસિંહ ચુડાસમા (ધોલેરા), સાગરભાઈ સોલંકી, દિગપાલસિંહ ચુડાસમા (આંબલી), મનહરસિંહ ચુડાસમા, હરપાલસિંહ ટિલાટ, હરિશ્વચંદ્રસિંહ ચુડાસમા, રાજુભાઈ શાહ, અપૂર્વભાઈ સંઘવી, હસમુખભાઈ રાઠોડ, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ની સેન્‍ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસંગ ડાભી, સહદેવસિંહ ચુડાસમા, શિક્ષણવિદ્‌ નારણભાઈ પટેલ, એજયુકેશન ઈન્‍સ્‍પેકટર કેતનભાઈ વ્‍યાસ, ભરતભાઈ કારાણી (દુબઈ), નિવૃત્ત આર.એફ.ઓ. દિગુભા ચુડાસમા (પીપળી), નરેન્‍દ્રભાઈ દવે (રાણપુર), રાણપુર સાર્વજનિક એજયુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, બટુકસિંહ ઝાલા (નાની બોરુ), ધોલેરા ભાલ સેવા સમિતિના સામતસંગ ઉમટ, રાજુભાઈ પટેલ, પ્રતાપભાઈ જીવરાજભાઈ પટેલ, સંજયભાઈ જેસંગભાઈ ડાભીની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. ધોલેરા સ્‍વામિનારાયણ મંદિરના સંતોની પ્રેરક ઉપસ્‍થિતિ પણ રહી હતી.

 ખ્‍યાતનામ લોકગાયક અભેસિંહ રાઠોડે શ્નસિંધુડોઙ્ખનાં શૌર્યગીતો થકી સ્‍વરાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત રાજયના પૂર્વ મંત્રી ભૂપેન્‍દ્રસિંહજી ચુડાસમાની પ્રેરણાથી પ્રદ્યુમનસિંહ ચુડાસમા (ધોલેરા) - નંદકરણ ચેરિટેબલ ટ્રસ્‍ટ અને સાથીઓના સહયોગથી આ બન્ને તકતીઓની સ્‍થાપના થઈ છે. તકતીની પરિકલ્‍પના - આલેખન પિનાકી મેઘાણીનું છે. સહુએ ધોલેરા સરની કોર્પોરેટ ઓફિસ એ.બી.સી.ડી. બિલ્‍ડીંગની પણ મુલાકાત લીધેલી.

૧૨ માર્ચ ૧૯૩૦એ મહાત્‍મા ગાંધીએ અમદાવાદ ખાતે પોતે સ્‍થાપેલા સાબરમતી આશ્રમથી ૭૯ સત્‍યાગ્રહીઓ સાથે પગપાળા ઐતિહાસિક દાંડી યાત્રા શરૂ કરીને ૦૬ એપ્રિલ ૧૯૩૦ના રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડીને સત્‍યાગ્રહનો પ્રારંભ કર્યો હતો. તે જ વેળાએ સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠની આગેવાની હેઠળ ધોલેરા ખાતે પણ સત્‍યાગ્રહનાં મંડાણ થયાં હતાં. સ્‍વાતંત્ર્ય-સંગ્રામ નિમિત્તે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ રચેલાં દેશભક્‍તિનાં ૧૫ શૌર્યગીતોનો સંગ્રહ સિંધુડો આ અવસરે પ્રસિધ્‍ધ થયો હતો. ધોલેરા સત્‍યાગ્રહના અગ્રગણ્‍ય સેનાનીઓ હતા : સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, બળવંતરાય મહેતા, મણિશંકર ત્રિવેદી, ભીમજીભાઈ પારેખ સુશીલ, રસિકલાલ પરીખ, જગજીવનદાસ મહેતા, કક્‍લભાઈ કોઠારી, હરગોવિંદભાઈ પંડ્‍યા, મનુભાઈ જોધાણી, વજુભાઈ શાહ, મોહનલાલ મહેતા સોપાન, રતુભાઈ અદાણી, મનુભાઈ પંચોળી દર્શક, જયમલ્લભાઈ પરમાર, ઈશ્વરભાઈ દવે, મગનલાલ સતિકુમાર, રતિલાલ શેઠ, કાંતિલાલ શાહ, કનુભાઈ લહેરી, તારાચંદ રવાણી, કાનજીભાઈ ચૌહાણ, મનુભાઈ બક્ષી, રતુભાઈ કોઠારી, વીરચંદભાઈ શેઠ, ભીખુભાઈ ધ્રુવ, કેશુભાઈ મહેતા, વૈદ્ય બાલકૃષ્‍ણભાઈ દવે, શિવુભા ચુડાસમા, મનુભા ચુડાસમા, અમૃતલાલ પંડ્‍યા. બહેનોનું સુકાન સંભાળેલું : દેવીબેન પટ્ટણી, અમૃતલાલ શેઠનાં પત્‍ની રૂક્ષ્મણીબેન, પુત્રી લાભુબેન (મહેતા), ભત્રીજી પુષ્‍પાબેન (પૂર્ણિમાબેન પકવાસા), ગંગાબેન ઝવેરી, સુમિત્રાબેન ભટ્ટે. અંગ્રેજ સરકારના અમાનુષી અત્‍યાચારને કારણે રતિલાલ વૈદ્ય નામના ૧૮-વર્ષીય યુવા સત્‍યાગ્રહી પુણેની યરવડા જેલમાં શહીદ થયા હતા.

 આલેખન :

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મૃતિ સંસ્‍થાન

(12:31 pm IST)