Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.10નો વધારો અપાશે : બનાસડેરીની જાહેરાત

ખોળ, ઘાસચારો અને ડીઝલના ભાવ વધતા પશુપાલકોને દૂધ ડેરીઓમાં આપવાનું મુશ્કેલ બની ગયુ હતું.તેવામાં બનાસડેરીના નિર્ણયથી ખેડૂતોને રાહત મળશે

એશિયાની સૌથી મોટી દુધની ડેરી બનાસડેરી દ્વારા પશુપાલકોને ખુશખબર આપવામાં આવ્યા છે. બનાસડેરી દ્વારા બૃહદ બનાસકાંઠાના પશુપાલકોને ચૂકવાતા દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટે રૂ.10 નો વધારો ગુજરાત ગૌરવ દિવસની સવારથી કરવામાં આવ્યો છે. બનાસડેરી દ્વારા ભાવવધારાથી ખેડૂતોમાં ખુશી પ્રસરી હતી.

કોઈપણ પશુપાલકને દૂધનો ભાવ વધારે મળે છે ત્યારે તેમના માલઢોર માટે વધુ સારે ગુણવત્તાનાં ખાદ્યપદાર્થો ખરીદી શકે છે. વધુ સારું ગુણવત્તાયુક્ત દુધ મેળવી શકે છે. આમ બનાસડેરી પ્રતિ કિલો ફેટે રૂ.10નો ભાવ વધારો મળશે એ બાબતથી પશુપાલકો ખૂશ થયા છે. સુત્રોના જણાવ્યા અનુસાર નવા ભાવ પ્રમાણે ભેસનું દૂધ રૂપિયા 715 થી 680 અને ગાયનું દૂધ રૂપિયા 309થી 299 પ્રમાણે લેવાશે. જેનો અમલ 1 લી મેથી કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં લાખો પશુપાલકો પશુપાલન કરી દૈનિક 90 લાખનું દૂધ ઉત્પાદન કરી રહ્યા છે. જે દૂધ સમગ્ર દેશમાં જઇ રહ્યું છે.

છાસવારે દૂધ અને દુધની બનાવટમાં ભાવ વધારો ઝીંકાતો હતો પરંતુ પશુપાલકોને ફેટમાં કોઈ ભાવ વાધારો નહીં મળતા તેઓ લાંબા સમયથી વધુ પૈસા મળવાની રાહે હતા. એક તરફ ખોળ, ઘાસચારો અને ડીઝલના ભાવ વધતા પશુપાલકોને દૂધ ડેરીઓમાં આપવાનું મુશ્કેલ બની ગયું હતું. જો કે હવે થોડી રાહત મળશે. હવે પશુપાલકો માટે ખુશીના સમાચાર મળ્યા છે. જોકે આ બાબતથી બનાસ ડેરીની તિજોરી ઉપર ભારણ વધશે. અને લાંબાગાળે ગ્રાહકોએ પણ ભાવ વધારા માટે તૈયાર રહેવું પડશે.

(10:22 pm IST)