Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

મોંઘવારી આસમાને છે પણ ગુજરાતમાં દારૂના ભાવને સ્‍પર્શી શકી નથી

૫૨ રૂપિયામાં બિયરનું કેન અને માત્ર ૩૫૦ રૂપિયામાં રમની બોટલ આ ભાવ છે ગુજરાતમાં સરકારી ચોપડેઃ જયારે હાલ રાજયની પરિમિટ દુકાનોમાં પણ બિયરનું કેન ૧૯૦ રુપિયાથી વધુનું મળે છે તો રમના ભાવ ૬૦૦ ઉપર છે : ગુજરાતમાં સરકારી ચોપડે દારૂનો ભાવ એજ ૨૦ વર્ષ જૂનો છે એટલે કે એ મુજબ દારુને હજુ મોંઘવારી નડી નથીઃ રાજયમાં છેલ્લે ૨૦૦૨માં દારૂનો ભાવ નક્કી કરતો પરિપત્ર આવ્‍યા બાદ ક્‍યારેય અપડેટ કરવામાં આવ્‍યા નથી

અમદાવાદ, તા.૨: ૫૨ રૂપિયામાં બિયરનું કેન અને માત્ર ૩૫૦ રૂપિયામાં રમની બોટલ, આ ભાવ એવા સમયે છે જયારે મોંઘવારીએ મોટાભાગના ઘર માટે લગભગ દરેક આવશ્‍યક ચીજવસ્‍તુઓને પણ લક્‍ઝરીમાં ફેરવી દીધી છે. ત્‍યારે દારુબંધીના કારણે ડ્રાય સ્‍ટેટ તરીકે ઓળખાતા ગુજરાતમાં દારૂના ભાવને મોંઘવારી સ્‍પર્શી પણ શકી નથી. જોકે આટલું વાંચીને છાંટોપાણીના શોખીનો ઉત્‍સાહમાં આવીને ચીયર્સ કરે તે પહેલાં થોભો આ દારૂની બજાર કિંમત નથી. હકીકતમાં તે રાજય પોલીસના રેકોર્ડમાં નોંધાયેલી કિંમત છે કારણ કે સરકારે છેલ્લા ૨૦ વર્ષોમાં પોતાના ચોપડે દારુની કિંમતમાં કોઈ સુધારો કર્યો નથી.

ગાંધીનગરમાં તાજેતરમાં કરવામાં જપ્ત કરવામાં આવેલ દારુની FIRમાં નોંધાયેલી બ્રાન્‍ડેડ વ્‍હિસ્‍કીની ત્રણ બોટલની કિંમત ૧,૧૨૫ રૂપિયા અથવા ૭૫૦ મિલીલીટરની દરેક બોટલ માટે ૩૭૫ રૂપિયા હતી. જો કે, આ વ્‍હિસ્‍કીની બજાર કિંમત હાલમાં પરમિટની દુકાનોમાં પ્રતિ બોટલ ૫૪૦-૬૦૦ રૂપિયા છે. પોલીસ વિભાગ દારુની કિંમતોમાં ફેરફાર કરવાનું ચૂકી ગયો છે કારણ કે તેમના રેકોર્ડ મુજબ હજુ પણ ૨૮ ડિસેમ્‍બર, ૨૦૦૨ના રોજ જારી કરાયેલ રાજયના એક્‍સાઈઝ અને પ્રોહિબિશન વિભાગ દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનનું પાલન કરી રહ્યા છે.

આ નોટિફિકેશન અનુસાર ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) અને આયાતી દારૂની વિવિધ બ્રાન્‍ડની કિંમત રૂ. ૫૨ થી રૂ. ૮૫૦ ની વચ્‍ચે છે. વર્ષોથી, આ બ્રાન્‍ડ્‍સના બજાર દરમાં મોટો ઉછાળો નોંધાયો છે. જે તેને રૂ. ૧૯૦ થી રૂ. ૧,૯૦૦ પ્રાઇસ બેન્‍ડમાં લાવે છે. પરંતુ પોલીસ રેકોર્ડ મુજબ દેશી દારૂની કિંમત પણ છેલ્લા ૨૦ વર્ષથી ૨૦ રૂપિયા પ્રતિ લિટરે સ્‍થિર છે. જોકે રાજયના જુદા જુદા વિસ્‍તારમાં રેન્‍ડમ ચેક કરતાં સામે આવ્‍યું કે હાલ તેની કિંમત રૂ. ૫૦ થી રૂ. ૮૦ પ્રતિ લીટરની વચ્‍ચે છે.

પ્રોહિબિશન વિભાગના સૂત્રોએ જણાવ્‍યું હતું કે ભૂતકાળમાં, IMFL, આયાતી દારૂ અને દેશી દારૂના દરો દર ૩-૪ વર્ષે સુધારવામાં આવતા હતા. આ દરો પછી દરોડા દરમિયાન જપ્ત કરાયેલા સ્‍ટોકનું મૂલ્‍યાંકન કરવા માટે ઉપયોગમાં લેવાતા હતા. ૧૯૯૯ પછી ૨૦૦૨ માં દારૂના દરોને અપડેટ કરતો પરિપત્ર કરવામાં આવ્‍યો હતો. ત્‍યારથી, તેમાં કોઈ સુધારો કરવામાં આવ્‍યો નથી. પરિણામે, પોલીસ આ જૂની જ ૨૦ વર્ષ પહેલાં નક્કી કરવામાં આવેલ કિંમતોના આધારે જપ્ત કરાયેલ સ્‍ટોકની ગણતરી કરે છે. તેમ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું.

સૂત્રોએ જણાવ્‍યું હતું કે, દારુના સુધારેલા દરો એ સુનિશિચત કરવા માટે ખૂબ જરૂરી છે કે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તે જપ્ત કરાયેલી દારૂની કિંમત દર્શાવે છે જે બજાર કિંમતની બરાબર છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્‍યું હતું કે, ૨૦૦૨ અને ૨૦૨૨ ની વચ્‍ચે દારૂના ભાવમાં મોટો તફાવત પણ કાયદાકીય પ્રક્રિયા દરમિયાન સમસ્‍યાઓનું કારણ બની શકે છે. ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયાએ પુષ્ટિ કરી છે કે તાજેતરના વર્ષોમાં દારૂના ભાવમાં સુધારો કરવામાં આવ્‍યો નથી. ‘તાજેતરમાં અમને દરોમાં સુધારો કરવાની દરખાસ્‍ત મળી છે. રાજય મોનિટરિંગ સેલ ટૂંક સમયમાં આ કરે તેવી શક્‍યતા છે.' તેમ ભાટિયાએ જણાવ્‍યું હતું.

ગુજરાત સરકારે ૨૦૧૭માં નવા અને વધુ કડક દારૂના કાયદાઓ જાહેર કર્યા હતા જે ૨૦૧૮માં લાગુ કરવામાં આવ્‍યા હતા. જો કે, તેણે દારૂના બજાર ભાવની સમીક્ષા કરવાની અને તેમાં સુધારો કરવાની તક ગુમાવી દીધી હતી. નવા કાયદા અનુસાર જે લોકો દારૂના ઉત્‍પાદન, ખરીદ, વેચાણ અથવા પરિવહનમાં દોષિત ઠરશે તેમને ૧૦ વર્ષ સુધીની જેલ અને ૫ લાખ રૂપિયાનો દંડ થશે. અગાઉના કાયદામાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે માત્ર ૩ વર્ષની સજા હતી. તેવી જ રીતે દારૂના અડ્ડા ચલાવનારાઓ તેમજ તેમની મદદ કરનારાઓને ૧૦ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

(4:14 pm IST)