Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

૧લી જુને ગુજરાત બંધનું એલાન કરતા જિજ્ઞેશ મેવાણી

જેલમાંથી બહાર આવ્‍યા બાદ મેવાણીએ પીએમ મોદી પર કર્યા પ્રહાર

નવી દિલ્‍હી તા. ૨ : જેલમાંથી બહાર આવ્‍યા બાદ ગુજરાત કોંગ્રેસના નેતા અને ધારાસભ્‍ય જીગ્નેશ મેવાણીએ PMO પર સનસનાટીભર્યા આરોપો લગાવ્‍યા છે. મીડિયાને સંબોધતા, તેમણે કહ્યું કે તેમની ધરપકડ રાજયમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આસામ પોલીસ દ્વારા એક સુનિયોજિત કાવતરૂં હતું. તેમને નષ્ટ કરવા માટે આ ષડયંત્ર વડાપ્રધાન કાર્યાલય દ્વારા ઘડવામાં આવ્‍યું હતું. મેવાણી અહીં જ ન અટક્‍યા, પીએમ મોદી પર પ્રહાર કરતા તેમણે વધુમાં કહ્યું કે, મારી ધરપકડ ૫૬ ઈંચની છાતીવાળા વ્‍યક્‍તિની કાયરતાપૂર્ણ કાર્યવાહી છે. આ કાર્યવાહીથી ગુજરાતનું ગૌરવ નબળું પડ્‍યું છે. જીગ્નેશ મેવાણીએ જાહેરાત કરી કે તેઓ રસ્‍તા પર ઉતરશે. તેમણે ૧ જૂને ગુજરાત બંધનું એલાન આપ્‍યું હતું.

મેવાણીએ કહ્યું કે જો ૨૨ પરીક્ષાના પેપર લીક કરનાર, મુન્‍દ્રા પોર્ટ પર ૧.૭૫ લાખ કરોડ રૂપિયાની દવાઓ અને ઉનામાં દલિતો સામે નોંધાયેલા કેસ પાછા ખેંચવામાં નહીં આવે તો તેઓ ૧ જૂને રસ્‍તા પર ઉતરશે.

મેવાણીએ કહ્યું કે આસામ પોલીસ દ્વારા તેમની ધરપકડ નિયમો વિરૂદ્ધ છે. તે પૂર્વ આયોજિત કાવતરું હતું. તે ધારાસભ્‍ય માટે પ્રોટોકોલ અને નિયમોનું ઘોર ઉલ્લંઘન હતું. તેણે કહ્યું, મારી ધરપકડ કરીને ૨૫૦૦ કિમી દૂર લાવવામાં આવ્‍યો, જયારે ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષને પણ તેની જાણ કરવામાં આવી ન હતી. કથિત રીતે, તેઓએ મારું લેપટોપ, કમ્‍પ્‍યુટર, ફોન, બધું જપ્ત કર્યું. તેમને ડર છે કે તેઓએ તેમાં જાસૂસી સોફટવેર ન મુક્‍યું હોય. અગાઉ, આસામના બારપેટાની એક અદાલતે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્‍ય જીગ્નેશ મેવાણીને જામીન આપ્‍યા હતા અને કહ્યું હતું કે પોલીસે ધારાસભ્‍યને ફસાવવા માટે ખોટો અને બનાવટી કેસ કર્યો છે. આટલા સંઘર્ષથી મળેલી લોકશાહીને પોલીસ રાજયમાં ફેરવવાનો વિચાર પણ અકલ્‍પનીય છે. મહિલા કોન્‍સ્‍ટેબલ પરના કથિત હુમલાના કેસમાં જામીન આપતા કોર્ટે કહ્યું હતું કે,  ‘પોલીસ લોકોને ફસાવવામાં અવ્‍વલ બની રહી છે, હાઈકોર્ટે પોલીસની કામગીરીની નોંધ લેવી જોઈએ.' બારપેટાના જિલ્લા અને સત્ર ન્‍યાયાધીશ અપરેશ ચક્રવર્તીએ રાજયમાં ચાલી રહેલી પોલીસની અતિરેકને ટાંકીને ગુવાહાટી હાઈકોર્ટને પોલીસ દળને પોતાને સુધારવાનો નિર્દેશ આપવા વિનંતી કરી છે.

(5:12 pm IST)