Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

બે યુવતિ સાથે દસ વર્ષથી લિવ ઇનમાં રહેતો યુવક બંને સાથે લગ્ન કરશે

વલસાડના કપરાડાના યુવકના લગ્નની કંકોત્રી સોશ્‍યલ મીડિયામાં વાયરલ

વલસાડઃ કપરાડાના આદિવાસી સમુદાયમાં એક યુવક અને બે યુવતિ 10 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહ્યા બાદ યુવકની લગ્ન કંકોત્રી વાયરલ થઇ છે. જેમાં એક યુવક અને બે કન્‍યાઓના લગ્ન થશે.

લગ્નોની સીઝનમાં વધુ એક અનોખા લગ્ન સામે આવ્યા છે. લિવ ઈનમાં રહેવુ લોકો નવા જમાનાનો ટ્રેન્ડ ગણે છે. પરંતુ આદિવાસી સમાજ વર્ષોથી લિવ ઈનની પ્રથા છે. આદિવાસી સમાજમાં લગ્ન કર્યા વિના જ પતિ-પત્ની તરીકે સાથે રહે છે. બા‌ળક થયા બાદ લગ્ન કરાતાં હોય છે. સમુહ લગ્નમાં પણ બાળકોના માતા-પિતા લગ્ન કરતાં હોય છે. બાળકોને સાથે રાખીને સમુહ લગ્નમાં ફેરા લેતાં હોવાના અનેક કિસ્સાઓ અત્યાર સુધી બની ચુકયાં છે. પરંતુ કપરાડના નાનાપોંઢા ગામે જે કિસ્સો સામે આવ્યો તેને જોઈને તમે આદિવાસી પરંપરાની કેટલી આધુનિક છે તે કળી શકાય.

આજે રાજ્યમાં લગ્નની સીઝન ચાલી રહી છે. કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે 9 મે ના રોજ યોજારના લગ્નની કંકોત્રી વાયરલ થઈ છે. હાલ આ લગ્નની ચર્ચા એટલા માટે છે, કંકોત્રીમાં એક વરની સામે બે કન્યાઓનું નામ લખવામાં આવ્યુ છે. એટલે કે, યુવક એક જ લગ્નમંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કરશે. પ્રકાશ ગાવિત નામના લગ્ન નાનાપોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે થવાના છે. લગ્નની પત્રિકામાં એક વર અને બે વધુના નામ લખવામાં આવ્યા છે. આથી સમગ્ર રાજ્યમાં આ લગ્ન ચર્ચાનું કેન્દ્ર છે.

નાનાપોંઢાના પ્રકાશભાઈ ગામીત નામના યુવક આગામી 9 મી તારીખે બે યુવતીઓ સાથે લગ્નના ફેરા ફરવા જઈ રહ્યા છે. જેમાં અનેક રસપ્રદ હકીકતો બહાર આવી કે, પ્રકાશ ગામિત છેલ્લા 12 વર્ષથી બંને યુવતીઓ સાથે લિવ-ઈન રિલેશનમાં રહે છે. જેમાં એક યુવતી સાથે અગાઉથી તેઓ લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યા છે. જ્યારે અન્ય એક યુવતી સાથે લગ્નના ફેરા ફરવાના બાકી હોવાથી તેઓએ હવે બંને પરિવારોના સંમતિથી આગામી ૯મી તારીખે લગ્ન કરવા જઈ રહ્યા છે.

જો કે એથી પણ વિશેષ રસપ્રદ વાત એ છે કે, બંને પત્નીઓ થકી પ્રકાશભાઈને બે-બે સંતાનો છે. આમ પહેલી પત્ની સાથે અગાઉથી લગ્નના ફેરા ફરી ચુક્યા છે. પરંતુ તેમને ખોટું ન લાગે એટલા માટે આ વખતે બીજી પત્ની સાથે થયેલા લગ્નમાં લગ્નની પત્રિકામાં પહેલી પત્નીનું પણ નામ લખવામાં આવ્યું છે. સાથે જ બીજી પત્ની સાથે જ્યારે તેઓ લગ્ન ફેરા ફરશે, ત્યારે પહેલી પત્ની પણ આ લગ્નના મંડપમાં તેમની સાથે હાજર રહેશે. સાથે જ આ બંને પત્નીઓના થકી થયેલા ચાર સંતાનો પણ લગ્નમંડપમાં હાજર રહેશે.

પ્રકાશભાઈએ કહ્યુ કે, મારી પત્ની અને તેમના પરિવારજનો પણ ખુશ છે. અમે 14 વર્ષથી રાજીખુશીથી રહીએ છીએ. અમે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્ન કરીશું. તો એક પત્ની કુસુમબેને કહ્યુ કે, અમે લોકો 12 વર્ષથી સાથે રહીએ છીએ, 9 તારીખે મારા પતિના લગ્ન છે. અમે રાજીખુશીથી આ લગ્નમાં હાજર રહીશુ.  બીજી પત્ની નયનાબેને કહ્યુ કે, 12 વર્ષ લિવ ઈનમાં રહ્યા બાદ મારા લગ્ન થવાના છે. મારા લગ્નમાં મારા પતિની પહેલી પત્ની પણ હાજર રહેશે.

(5:37 pm IST)