Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ગાંધીનગર નજીક ઇસનપુરમાં પોલીસે બાતમીના આધારે દારૂના જથ્થો ભરેલ કાર ઝડપી ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક ઇસનપુર મોટા પાસે ચિલોડા પોલીસે બાતમીના આધારે દેશી દારૃના જથ્થા ભરેલી કારને ઝડપી લીધી હતી. અમદાવાદ ઠક્કરનગરના શખ્સને પકડી ૧.૦૩ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે દારૃ મોકલનાર અને મંગાવનાર સહિત ત્રણ સામે પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સાણોદાથી ઇસનપુર મોટા ગામ તરફ એક કારમાં દેશી દારૃનો મોટો જથ્થો લઇ જવામાં આવી રહ્યો છે. જે બાતમીને પગલે પોલીસ ટીમે ઇસનપુર મોટા ગામ પાસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા તે ઉભી રાખી હતી જેમાં તપાસ કરતા ૧૭૦ લીટર દેશી દારૃનો જથ્થો મળી આવ્યો હતો.કારચાલક અમાદાવાદના ઠક્કરનગર પાસે રહેતો સતપાલસિંહ ઉર્ફે દિપક અમોદસિંહ તોમરને ઝડપી લીધો હતો. જેની પુછપરછમાં આ દારૃનો જથ્થો દહેગામના વડવાસા ખાતે રહેતા સામણજી રાધાજી ઠાકોરે ભરી આપ્યો હતો અને અમદાવાદના ઠક્કરનગર ખાતે રહેતા રઘુનાથસિંગ ઉર્ફે રોડસિંગ રાઠોડે દારૃ મંગાવ્યો હતો જેથી પોલીસે ૧.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

(6:13 pm IST)