Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

સુરતના મોટા વરાછામાં યુવાનને હનીટ્રેપમાં ફસાવી દંપતી સહીત ચાર શખ્સોએ 1.50 લાખ પડાવી લેતા ગુનો દાખલ

સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા મૂળ અમરેલીના યુવાનને હનીટ્રેપમાં ફસાવી દંપત્તિ સહિત ચાર વ્યક્તિએ રૂ.1.50 લાખ પડાવી વધુ રૂ.1 લાખની માંગણી કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના ધારીના દુધાળા ગામના વતની અને સુરતમાં મોટા વરાછા અબ્રામા રોડ ગોકુલધામ બંગલાની સામે મીથીલા હાઈટસ ફ્લેટ નં.સી/304, જી/201 માં રહેતો 34 વર્ષીય અતુલ ભુપતભાઈ નાકરાણી મજૂરીકામ કરે છે. ગત શુક્ર્વાના રોજ તેને એક મહિલા રીના હિરપરાએ ફોન કરી શરીર સંબંધ બાંધવા માટે વરાછાની ભગીરથ સોસાયટીમાં બોલાવ્યો હતો. અતુલ ત્યાં જતા રીનાએ પોતાના મોબાઈલ ફોનમાં અતુલ સાથે પોતાના કઢંગી હાલતમાં ફોટા પાડી દીધા હતા. ત્યાર બાદ ત્યાં રીના સાથે હાજર તેના પતિ ભાવેશ અને અન્ય બે વ્યક્તિએ બદનામ કરવાની ધમકી આપી રૂ.1.50 લાખ પડાવી લીધા હતા. બાદમાં તમામે બીજા રૂ.1 લાખની માંગણી કરતા છેવટે અતુલે ગતરોજ હિરપરા દંપત્તિ સહિત ચાર વિરુદ્ધ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:20 pm IST)