Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

કંપનીએ એલઆઈસીના બિડિંગ માટેના સમયમાં ફેરફાર કર્યો

LICના આઈપીઓ માટે આગામી સપ્તાહે ભરણું ખુલશે : આઈપીઓના ૪ દિવસમાં બિડિંગ કરવાનો સમયગાળો વધારીને સાત વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે

અમદાવાદ, તા.૨ : ભારતના ઈતિહાસના સૌથી મોટા એલઆઈસીના આઈપીઓ માટે ભરણું આ સપ્તાહે ખુલવા જઈ રહ્યું છે. આઈપીઓની તાડામાર તૈયારીઓ સરકાર, બેંકર્સ અને અન્ય પક્ષકારો દ્વારા થઈ રહી છે ત્યારે હવે કંપનીએ એલઆઈસીના બિડિંગ માટેના સમયમાં ફેરફાર કર્યા છે.

લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એલઆઈસી)એ કહ્યું કે આઈપીઓના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું કે આઈપીઓના ૪ દિવસમાં બિડિંગ કરવાનો સમયગાળો વધારીને ૭ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

રવિવાર સિવાયના ભરણું ખુલ્લું હોય તે આઈપીઓના તમામ દિવસોમાં રોકાણકારો સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી અરજી કરી શકશે એટલેકે ૪થી ૯મી મેના આઈપીઓના દિવસમાંથી માત્ર ૮મી મે, ૨૦૨૨ના રોજ આઈપીઓ માટે બિડિંગ નહિ થઈ શકે. બાકીના તમામ દિવસોમાં સાંજે ૭ કલાક સુધી અરજી કરી શકાશે. એલઆઈસીના આઈપીઓમાં ૯૦૨-૯૪૯ના ભાવે શેર ઈશ્યુ કરવામાં આવશે. સૂત્રોએ આપેલ માહિતી અનુસાર આઈપીઓમાં રૂ. ૨૧,૦૦૦ કરોડ એકત્ર કરવા લોઅર બેન્ડ પર રૂ. ૯૦૨ અને હાયર બેન્ડ પર રૂ. ૯૪૯ના ભાવે ઈશ્યુ કરવામાં આવશે. ભારતનો સૌથી મોટો આઈપીઓ જીવન વીમા નિગમનો આઈપીઓ ૪થી મે ના રોજ ખુલશે અને ૯મી મે ના રોજ બંધ થશે. સરકાર આઈપીઓ થકી ૩.૫% જ હિસ્સો વેચવા જઈ રહી છે અને જો મજબૂત પ્રતિસાદ સાંપડશે તો આઈપીઓમાં ઓફર ફોર સેલ ૫% સુધી વધારી શકે છે.

૨૩મી એપ્રિલે એલઆઈસીના બોર્ડે આઈપીઓ સાઈઝ ઘટાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. પોલિસીધારકો માટે ૧૦ ટકા રિઝર્વેશન રાખવામાં આવ્યું છે અને ૫ ટકા હિસ્સો કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર એલઆઈસીના આઈપીઓમાં કર્મચારીઓને ૫% ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. આ સિવાય વર્તમાન પોલિસીધારકોને એલઆઈસીના શેર પર ૬% ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે એટલેકે પ્રતિ શેર પોલિસીધારકોને ૬૦ રૂપિયા ઓફર કરવામાં આવશે. નાના રોકાણકારોને આકર્ષવા માટે સરકારે આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સને પણ ૫% એટલે કે ૪૫ રૂપિયા ડિસ્કાઉન્ટ ઓફર કર્યું છે.

એલઆઈસી આઈપીઓમાં મિનિમમ એપ્લાય લોટ સાઈઝ ૧૫ શેરની હશે એટલેકે એક અરજી માટે ૧૫ શેર માટે એપ્લાય કરવું પડશે. રિટેલ કેટેગરીમાં એપ્લાય કરવા માટે રોકાણકારો મહત્તમ ૧૪ લોટ માટે એપ્લાય કરી શકશે એટલેકે ૨૧૦ શેર માટે બિડ કરી શકશે.

(8:03 pm IST)