Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022

ખોડલધામ ચેરમેન નરેશભાઈ પટેલે ભાજપના 4 ધારાસભ્યોને મળ્યા :રાજકીય અટકળને વેગ

એક અમદાવાદના અને ડિસાના ધારાસભ્યો ખોડલધામ પહોંચ્યા: ધારાસભ્ય વલ્લભ કાકડીયાએ નરેશભાઈ ભાજપમાં જોડાઇ તેવી ઇચ્છા વ્યક્ત કરી: ગઇકાલે નરેશભાઈ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક સાથે જોવા મળ્યા હતા

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂ્ંટણી માટે દરેક રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ  પટેલને લઈને હાલ રાજકારણ ગરમાયું છે. નરેશભાઈ પટેલના રાજકારણમાં જોડાવા મામલે હજુ સસ્પેન્સ યથાવત છે. હવે નરેશભાઈ  પટેલ અને ભાજપ નેતાઓ વચ્ચેની મુલાકાતો વધી છે. ગઇકાલે નરેશભાઈ પટેલ, વરુણ પટેલ, અલ્પેશ ઠાકોર એક સાથે જોવા મળ્યા હતા. ત્યારે આજે નરેશભાઈ  પટેલને ફરીવાર ભાજપના નેતા મળ્યા છે. જેને લઈને ગુજરાતના રાજકારણમાં ભારે હલચલ મચી જવા પામી છે. ખોડલધામમાં ધારાસભ્ય વલ્લભ કાકડિયા સહિત ભાજપના 4 ધારાસભ્યોએ નરેશભાઈ  પટેલ સાથે મુલાકાત કરી છે. કાકડિયાએ નરેશ પટેલ ભાજપમાં જોડાઇ તેવી ઇચ્છા વ્યક્ત કરી છે.

એક અમદાવાદના અને ચાર ડિસાના ધારાસભ્યો ખોડલધામ પહોંચ્યા હતા. જ્યાં મંદિરે દર્શન કર્યા બાદ તેઓ નરેશભાઈ  પટેલને મળ્યા હતા. જોકે આ મુલાકાત બાદ રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે. કારણ કે છેલ્લા થોડા દિવસોથી નરેશભાઈ  પટેલની ભાજપ નેતાઓ સાથે મુલાકાત વધી છે.

જામનગરમાં ગઇકાલથી(1લી મે) ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાન સપ્તાહની પોથી યાત્રામાં નવા રાજકીય સમીકરણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોથી યાત્રા દરમિયાન ખોડલધામના ચેરમેન નરેશભાઈ  પટેલ, ભાજપ નેતા વરુણ પટેલ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર એક જ રથમાં સવાર જોવા મળતાં રાજકારણ ગરમાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પ્રસંગે આર.સી.ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

(8:52 pm IST)